પ્રગતિના પંથે વધુ એક કદમ; ગુજરાતમાં છાણમાંથી બને છે CNG ગેસ, વર્ષે કમાય છે આટલા કરોડ, આ પ્લાન્ટ છે બેસ્ટ
આજે ડીસાના દામાં ખાતે કાર રેલી સાથે પહોંચેલા મારુતી સુઝુકી કંપનીના ડિરેક્ટર કેનીચીરો ટોયોફૂંકુંએ બનાસડેરીના ગોબર સીએનજી પ્લાન્ટની મુલાકાત લઈ બનાસડેરીના ગોબર પ્લાન્ટની પ્રસંશા કરતા કહ્યું હતું કે જે રીતે મારુતી સુઝુકી ક્વોલિટી અને કોસ્ટ ઉપર ફોકસ કરે છે.
અલ્કેશ રાવ/બનાસકાંઠા: દેશમાં સર્વપ્રથમ બનાસ બાયોગેસ CNG સ્ટેશન સ્થાપીને પશુઓના ગોબરમાંથી ગેસ ઉત્પન્ન કરીને 'વેસ્ટ' માંથી 'વેલ્થ' બનાવવાનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સ્વપ્નને બનાસડેરી સાકાર કરી રહી છે. મહારાષ્ટ્રના પુણેથી શરૂ થયેલી “અમૂલ ક્લીન ફ્યુઅલ બાયો CNG” કાર રેલી મુંબઈ, વલસાડ, ગોધરા સહિત ગુજરાતનાં અન્ય શહેરોમાં પ્રવાસ કરીને આજે બનાસ બાયોગેસ CNG પ્લાન્ટ દામા ખાતે પહોંચી હતી. જ્યાં રેલીમાં સામેલ 12 કારના 24 કારચાલકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
4 નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે
આજે ડીસાના દામાં ખાતે કાર રેલી સાથે પહોંચેલા મારુતી સુઝુકી કંપનીના ડિરેક્ટર કેનીચીરો ટોયોફૂંકુંએ બનાસડેરીના ગોબર સીએનજી પ્લાન્ટની મુલાકાત લઈ બનાસડેરીના ગોબર પ્લાન્ટની પ્રસંશા કરતા કહ્યું હતું કે જે રીતે મારુતી સુઝુકી ક્વોલિટી અને કોસ્ટ ઉપર ફોકસ કરે છે. એવી જ રીતે બનાસડેરી પણ તેની પ્રોડક્ટ્સની ક્વોલિટી અને કોસ્ટ ઉપર ફોકસ કરે છે. આવનાર સમયમાં કાર્બન ન્યૂટ્રાલિટી અને સર્ક્યુલર ઈકોનોમીએ મુખ્ય એજન્ડા હશે અને બાયોગેસ સર્ક્યુલર ઈકોનોમી માટે અગત્યનું પરિબળ બનશે. છેલ્લાં 2 વર્ષમાં 20 બાયોગેસ પ્લાન્ટની વિઝિટ કરી છે પરંતુ તેમાં દામા ખાતેનો પ્લાન્ટ બેસ્ટ બાયોગેસ પ્લાન્ટ છે. આવનાર સમયમાં બનાસકાંઠામાં મારુતી સુઝુકીના સહયોગથી બીજા 4 નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે
પ્રોજેક્ટ આવતાની સાથે પશુપાલકોની આવક બમણી થઈ
બનાસડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામભાઈ ચૌધરીએ કાર રેલીને તેમજ મારુતિ સુઝીકીના ડિરેકટરમેં આવકારતા કહ્યું કે બનાસ બાયોગેસ CNG પ્લાન્ટમાં ગોબરમાંથી ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે અને તેને શુદ્ધ કરીને CNGમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ આવતાની સાથે પશુપાલકોની આવક બમણી થઈ છે. ગોબરને ગોલ્ડમાં પરિવર્તિત કરવાના પ્રધાનમંત્રીના સપનાને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પૂરું કર્યું છે. હવે માત્ર આપણા દેશના જ નહી, પરંતુ જર્મની, ફ્રાંસ, જાપાન જેવા દુનિયાના વિવિધ દેશોના પ્રતિનિધિઓ પણ બનાસ ડેરીના બાયો CNG પ્લાન્ટને જોવા માટે આવે છે.
પ્રગતિના પંથે એક મહત્વનું પગલું
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ દોરવા અને બનાસકાંઠા જિલ્લાને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબી બનાવવા માટે 'ગોબરધન' પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં ગોબરમાંથી બાયો CNG અને પ્રાકૃતિક ખાતર ઉત્પાદન કરતાં પ્લાન્ટ્સનું નિર્માણ કરવા માટે સુઝુકી મોટર કોર્પોરેશન, જાપાન અને નેશનલ ડેરી ડેવેલપમેન્ટ સાથે ટોક્યો, જાપાન ખાતે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરી પ્રગતિના પંથે એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ પાયલોટ બાયો CNG પ્લાન્ટમાં 3.46 કરોડ કિલો ગોબરની ખરીદી કરવામાં આવી છે અને ખેડૂતોને 3.46 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. આ બાયો CNG પ્લાન્ટમાં દરરોજ અંદાજીત 100 મોટર વાહનોને બળતણ સપ્લાય કરીને અત્યાર સુધીમાં બાયો ગેસમાંથી રૂ. 2.83 કરોડ રૂપિયાની આવક થઈ છે. આ ઉપરાંત ઓર્ગેનિક ખાતરના વેચાણમાંથી રૂ. 7.54 કરોડની આવક થઈ છે.