અર્પણ કાયદાવાલા/ગાંધીનગર: પૂર્વ સૈનિકો અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદનો મામલો વધારે ગરમાવો પકડી રહ્યો છે. ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા નિવૃત સૈનિકનું મોત થતા પૂર્વ સૈનિકોમાં રસ્તા પર ઉતર્યા હતા. જેણા કારણે પોલીસ દ્વારા ગાંધીનગરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આર્મીના પૂર્વ જવાનના મૃત્યુ બાદ ગાંધીનગરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આર્મીના જવાનોએ ચીલોડાથી ગાંધીનગર સુધી માર્ચ કાઢી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ સમગ્ર ઘટના મામલે એક મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે. નિવૃત આર્મીમેનનો મૃતદેહ લેવા પરિવારજનો એમ્બ્યુલન્સ સાથે આવતા પૂર્વ સૈનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મૃતદેહ સ્વીકારવા મામલે પરિવાર અને માજી સૈનિકો વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે.  Pm રૂમ નજીક આવેલી એમ્બ્યુલન્સને બહાર મોકલી દેવાઈ હતી. મૃતકના દીકરાએ કહ્યું, હું મૃતદેહ લઈ જવાની તરફેણમાં નથી. મારા કાકા આવે અને નિર્ણય થાય એ બાદ જોઈશું.


આ ઘટનામાં પરિવારજનો વચ્ચે તડા પડ્યા છે. મોટાભાગના પરિવારજનો મૃતદેહ લઈ જવા તૈયાર છે. પરંતુ અમુક લોકો તૈયાર નથી. અન્ય એક સભ્ય માજી સૈનિકો સાથે જોડાતા મામલો ગુંચવાયો અને માહોલ ગરમાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ pm રૂમ ખાતે મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પૂર્વ સૈનિકો દ્વારા ભારત માતા કી જય ના નારા લગાવવામાં આવી રહ્યા છે.


મૃતદેહ સ્વીકારવાનો નિર્ણય
મૃતદેહ સ્વીકારવા - ન સ્વીકારવા મામલે પરિવારના મહિલા સભ્ય સહિત અન્ય સભ્યો વચ્ચે pm રૂમમાં બન્ધ બારણે બેઠક યોજાઈ હતી. જેમાં આખરે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. પરંતુ સૈનિકોએ જણાવ્યું કે લડત ચાલુ રહેશે. જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં આંદોલન ચાલું રહેશે. અમારી માંગ પુરી થવી જોઈએ. અમે મૃતદેહ સ્વીકારી લીધો છે. 


માજી સૈનિક એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્રસિંહ નિમાવત દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એક પુત્ર પોલીસમાં છે એટલે એમના પર સરકારનું દબાણ હશે. અન્ય એક પુત્ર અમારી સાથે હતા, પણ હવે તેઓ મૃતદેહ લેવા તૈયાર થઈ ગયા છે. પરિવાર રાજી થયો એટલે એમને હવે કઈ કહેવાનું રહેતું નથી. પણ અમારી માંગ યથાવત રહેશે, અમે આ મામલે કાર્યવાહી કરીશું.


મહત્વનું છે કે, દેખાવ કરી રહેલા પૂર્વ સૈનિકોની ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તરફ કૂચ કરી હતી. તેઓ ચિલોડાથી પગપાળા નીકળ્યા હતા. સવારે પોલીસ સાથેની માથાકૂટ દરમ્યાન સાબરકાંઠાના 72 વર્ષીય પૂર્વ સૈનિક કાનજી મોથલિયાનું મોત થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે સમીસાંજે જવાનો મૃતદેહ તરફ જવા નીકળ્યા હતા. 


નિવૃત્ત આર્મિ જવાનનું વિરોધ દરમિયાન મોત 
હાલમાં રાજ્યમાં વિવિધ માંગને લઈને સરકારી કર્મચારીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ત્યારે નિવૃત સૈનિકોએ પણ પોતાની માગોને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે. આજે સમીસાંજે તેઓ ગાંધીનગર ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે. જો કે, આ દરમિયાન એક દુ:ખદ ઘટના સામે આવી છે. દેખાવો દરમિયાન એક નિવૃત્ત જવાનનું મોત થતા ચકચાર મચી ગઈ છે. 


નિવૃત્ત આર્મિ જવાનની તબીયત લથડતા તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલે મોકલાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નિવૃત જવાનનું નામ કાનજીભાઈ મોથલીયા હોવાનું સામે આવ્યું છે અને તે વિજયનગરના રહેવાસી છે.


દેખાવ કરી રહેલા પૂર્વ સૈનિકોએ જણાવ્યયું હતું કે, અમારી લડત યથાવત છે, સરકારે અમને ધોકો આપ્યો છે. સરકારે જે જાહેરાત કરી એનો કોઈ અમલ થયો નથી. પોલીસના જોરે સરકાર તાનશાહી ચલાવી રહી છે. આજે અમે શાંતિપૂર્ણ દેખાવો કરતા હતા એ સમયે પોલીસ બળપ્રયોગ કર્યો હતો. જેમાં સાબરકાંઠાના 72 વર્ષીય કાનજી ભાઈ મથોલિયાનું પોલીસ દમનના કારણે મોત થયું છે, તેમણે સરકાર પાસે  માંગણી કરી હતી કે એમને 1 કરોડનું વળતર આપે સરકાર. અને પરિવારના સભ્યને નોકરી આપે. પૂર્વ સૈનિકોએ આરોપ લગાવ્યો હતો કે ગાંધીનગર પોલીસ મોત મામલે જુઠ્ઠું બોલે છે.


સમગ્ર મામલે વિરોધ ભભૂકી ઉઠતાં ગૃહ વિભાગ તાબડતોબ એક્શનમાં આવી ગયું છે. નિવૃત આર્મીમેનના મૃત્યુનો મામલે 2 દિવસમાં અહેવાલ રજૂ કરવા DGPને આદેશ કરવામાં આવ્યો છે. 


જગદીશ ઠાકોર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
નિવૃત આર્મીમેનનો મોત થતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જગદીશ ઠાકોર સાથે ધારાસભ્ય સી.જે.ચાવડાએ પણ મૃતક સૈનિકના પરિવારને સાંત્વના પાઠવી છે. મૃતક કાનજી મોથલિયાના દીકરા ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવે છે. મૃતક કાનજી મોથલિયાના દીકરાએ માંગ કરી છે કે માર મારનાર પોલીસ સામે કડક પગલાં લેવાય. 


શું છે પૂર્વ સૈનિકોની માંગ?
પૂર્વ સૈનિકો પોતાની વિવિધ માગણીઓ સાથે ગાંધીનગરમાં સચિવાલય બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. પૂર્વ સૈનિકોની પેન્ડિંગ માગ જેમાં અનામત, ખેતી માટે જમીન, પ્લોટ, પગાર રક્ષણ, હથિયાર નવા લેવા, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદી, ફિક્સ પ્રથા જેવા અનેક મુદ્દાઓ પર આ આંદોલન ચાલી રહ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube