હિતેન વિઠલાણી/ગાંધીનગર :ગુજરાતમાં આ વખતે ચૂંટણી જંગ બરાબરનો જામવાનો છે. એક તરફ પાટનગર ગાંધીનગરથી અમિત શાહ પોતે મેદાનમાં ઉતર્યાં છે, ત્યારે બીજી તરફ ભરૂચ બેઠકથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલને ઉતારવા વિચારી રહી છે. અહેમદ પટેલ ભરૂચથી લડે તે માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે આગ્રહ કર્યો છે. તેમણે રજૂઆત કરી છે કે જો અહમદ પટેલ ભરૂચથી લડે તો ગુજરાતમાં કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ ચોક્કસથી વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, અહેમદ પટેલ ભરૂચથી લડશે કે કેમ તે રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ નક્કી થશે અને એકથી બે દિવસમાં આ અંગે નિર્ણય લેવાઇ શકાય છે. અહેમદ પટેલ ભરૂચથી લોકસભાની ચૂંટણી લડવા અંગે અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે, અહેમદ પટેલ ગુજરાતના માર્ગદર્શક રહ્યાં છે. તેઓ લોકપ્રિય નેતા છે. કાર્યકર્તાઓએ રાજીવ સાતવને રજૂઆત કરી હતી. હાઇકમાન્ડ જે નિર્ણય લેશે, તેનાથી કાર્યકરોને પ્રેરણા મળશે. આવતીકાલે સોમવારે દિલ્હી ખાતે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાની છે. જેમાં લોકસભાની બાકીની તમામ સીટો અને વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. 


રામમંદિર મુદ્દાને કારણે હાર્યા હતા અહેમદ પટેલ
ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલ 1977, 1980, 1985માં ભરૂચથી કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યાં છે. પણ 1989માં રામ મંદિર મુદ્દાને કારણે 21 હજાર વોટથી અહેમદ પટેલ હાર્યા હતાં. ત્યારથી ભરૂચ બેઠક કોંગ્રેસ ક્યારેય જીતી શકી નથી. 1989 પછી ભરૂચ બેઠક પરથી સતત બીજેપીના ઉમેદવાર ચૂંટાતા આવ્યા છે. હાલ આ બેઠક પરથી બીજેપીના મનસુખભાઈ વસાવા સાંસદ છે. આમ તો હાલ ભરૂચ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. પણ 2017મા કોંગ્રેસના ગુજરાતમાં મળેલ પ્રતિસાદ બાદ ભરૂચ પર પરિવર્તન થાય તેવી કોંગ્રેસને આશા છે. અહેમદ પટેલ ભરૂચમાં બાબુભાઈના નામથી પ્રખ્યાત છે.