ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ વિકાસમાં કૂદકેને ભૂસકે આગળ વધી રહ્યું છે, પરંતુ કેટલાંક કિસ્સાઓમાં શહેરના સત્તાધીશો અને નઘરોળ વહીવટી તંત્ર પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યા છે. શહેરના શહેરીજનો લાખોનો ટેક્ષ ચુકવે છે પરંતુ આયોજન વગરના અને માત્ર દેખાડાવાળા કામથી પ્રજાના પૈસા સ્વાહા થઈ રહ્યા છે. આજે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની માસિક સાપ્તાહિક સમિતિની બેઠક મળી હતી. જેમાં કેટલાંક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે, જેમાંથી એક નિર્ણયથી તો ચારેબાજુ વિવાદનો વંટોળ ઉભા થયા છે. જી હા...વટવાના 15 વર્ષ જુના 500 કરતા વધુ EWS આવાસો તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્પોરેશનના સત્તાધીશો અને લાખોમાં પ્રજાના પૈસાથી સરકારી પગાર લેતાં અધિકારીઓ આયોજન વગરના કામ કરી રહ્યા છે અને કેવી રીતે પ્રજાના પૈસાનો બેફામ વેડફાટ કરી રહ્યા છે, તેનો બોલતો પુરાવો આપણી સામે આવ્યો છે.  ભ્રષ્ટ તંત્ર અને નઘરોળ તંત્રના વહીવટનો મોટો પુરાવો કહી શકાય એવા કિસ્સાની વાત કરીએ તો વટવામાં 150 કરોડના ખર્ચે EWS આવાસો તૈયાર કરવામાં આવ્યા હતા. 15 વર્ષ પહેલા EWSના આવાસો બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે વટવાના 15 વર્ષ જૂના 500 કરતાં વધુ આવાસો તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે અને તેનું કારણ છે EWS આવાસનો સ્ટ્રકચર રિપોર્ટ. 



આ મકાનો કોઈને આપ્યા વગર છેલ્લા 15 વર્ષથી પડ્યા રહ્યા છે અને તેનો સ્ટ્રકચર રિપોર્ટ નેગેટિવ આવતા તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં આવાસો તોડીને નવા આયોજન મામલે પણ નિર્ણય કરવામાં આવશે તેવું કહેવાયું છે. હવે આમાં 15 વર્ષ પહેલા જે 150 કરોડ ખર્ચાયા હતા એ આજની સરખામણીમાં 500 કરોડ થાય એમ છે છતાં ભ્રષ્ટ તંત્ર અને નઘરોળ તંત્રએ કરોડો રૂપિયાનો ધુમાડો કરી દીધો. પણ તમણે શું ચિંતા હોય? તેમણે ક્યાં ખિસ્સામાંથી આપ્યા છે? એ તો પ્રજાએ જ ભરવાના છે. તો પછી ભરશે પ્રજા. તમે તો જલસા કરો એસી ઓફિસમાં.


પ્રજાના ટેક્ષ સારી સુવિધા માટે આપે છે, પરંતુ કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ કેવી બેદરકારી દાખવે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. આને ભ્રષ્ટાચાર ન કહેવાય તો શું કહેવાય? ભ્રષ્ટાચારની સાથે આ પ્રજા સાથે છેતરપિંડી ન કહેવાય? કોર્પોરેશનના કામચોર અધિકારીઓ લાખો રૂપિયાનો મફતનો પગાર જ લે છે.