અલકેશ રાવ,બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ શરુ થયું અને ઠેર-ઠેર રસ્તાઓ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. ત્યારે આબુરોડથી અમદાવાદને જોડતા નેશનલ હાઇવે પર પણ ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોકે આ ખાડાઓ અનેકવાર નાના મોટા અકસ્માત પણ સર્જાતા હવે વાહનચાલકો ખાડા તાત્કાલિક પુરવાની માંગ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાંથી પસાર થતા અમદાવાદ-આબુ રોડને જોડતા નેશનલ હાઇવે પર ખાડારાજ સર્જાયું છે. પાલનપુરથી આબુરોડને જોડતા હાઇવે માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી જતા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે. બીજી તરફ આ ખાડાઓને કારણે અનેકવાર નાના મોટા અકસ્માત પણ સર્જાતા વાહનચાલકો ભય સાથે વાહન હંકારી રહ્યા છે. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી ખાડાઓ પૂરવાની કામગીરી ન આરંભતા વાહનચાલકોમાં રોષ ભભૂક્યો છે.


આ પણ વાંચોઃ 40 પાકિસ્તાની શરણાર્થીઓને મળી નાગરિકતા, ખુશીના આંસુ સાથે એક બાળકી હર્ષ સંઘવીને ભેટી પડી  


મહત્ત્વની વાત છે કે આ નેશનલ હાઈવે પર  ચોમાસા દરમ્યાન પડેલા ખાડાને પગલે  થોડા દિવસ અગાઉ આબુરોડ હાઈવે પર એક ટ્રક પલટી મારી ગઈ હતી. તો બીજી તરફ સાંઈબાબા નજીક  એક ટ્રકના બન્ને પૈડાં ખાડામાં ખાબકી જતાં ટ્રક ફસાઈ હતી અને હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે આ બંન્ને દુર્ઘટના દરમિયાન સદનસીબે મોટી જાનહાનિ તો ટળી હતી. પરંતુ આવી મોટી ઘટનાઓ ઘટવા બાદ પણ જાણે નેશનલ હાઈવે ઓથોરિટી  નિંદ્રાધિન હાલતમાં હોય તેમ મૂકપ્રેક્ષક બની ઘટનાઓ ઘટતી જોઈ રહ્યું છે. ત્યારે વહેલી તકે તંત્ર ઉંઘમાંથી જાગે અને હાઈવે પર પડેલા ખાડાઓ પૂરે તેવી અત્યારે તો સ્થાનિકો માંગ કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube