ક્લાસ વન અધિકારી એમ.કે.ચૌધરી એક લાખની લાંચ લેતા ઝડપાયા
મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાના આરોપ સાથે એસીબીને ફરિયાદ મળી હતી.
ઉદય રંજન/અમદાવાદઃ મત્સ્ય ઉદ્યોગ વિભાગના ક્લાસ વન અધિકારી એમ કે ચૌધરી એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં ટેન્ડર પાસ કરાવવા માટે આ રૂપિયા માગવામા આવ્યા હતા. મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા એમકે ચૌધરીને એસીબીએ રંગેહાથ એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ લાંચ ફિશરીઝ ટેન્ડર રીન્યુ કરવા માટે માગવામા આવી હતી. મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાના આરોપ સાથે એસીબીને ફરિયાદ મળી હતી. ત્યારબાદ આ છટકું ગોઠવવામાં આવ્યું હતુ. તો આ મામલે હજુ પણ મોટા માથા પકડાય તેવી શક્યતા છે.
એમ.કે.ચૌધરી ક્લાસ વન ઓફિસર હતા પ્રમોશન બાદ તેઓ અહીંયા ફરજ બજાવતા હતા. જ્યાં મત્સ્ય ઉદ્યોગના માછલીઓની ખેતી કરતા કોન્ટ્રકટરો પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. આ અંગે એસીબીને ફરિયાદ મળતા આ છટકું ગોઠવવામાં આવ્યું અને અધિકારી જાળમાં ફસાય ગયા છે.
એમ.કે.ચૌધરીને અટકાયત બાદ એસીબી ગાંધીનગર ખાતે કોર્ટમાં રજૂ કરશે. એસીબીએ ચૌધરીને સંપતિની આકરણી કરી તપાસ તેજ કરી છે. જેમાં અનેક મિલ્કત સહીત લોકરો પણ મળી આવ્યા છે. જેની ગણતરી હાલ એસીબી દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં આ પ્રકારે વધુ એક ક્લાસ વન ઓફિસર ઝડપાતા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.