AHMEDABAD:સીલ કરાયેલી શાળાઓને AMC ની રાહત, શાળા ખોલવા માટેની મંજૂરી
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમીશનના મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી સીલીંગ કાર્યવાહી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચારથી પાંચ કલાક સુધી શાળાઓ ખોલવા મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમીશનના મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી સીલીંગ કાર્યવાહી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચારથી પાંચ કલાક સુધી શાળાઓ ખોલવા મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગત 31 મેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશથી શહેરમાં બીયુ પરમીશન અને ફાયર એનઓસી મુદ્દે સીલીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં વિવિધ ધંધાકીય એકમો અને શાળાઓનો પણ સમાવેશ થાય છે. શાળાઓની વાત છે ત્યાં સુધી એએમસી દ્વારા શહેરમાં અત્યાર સુધી કુલ 50 જેટલી શાળાને સીલ કરવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકારે કોરોનાની પરિસ્થીતીના કારણે ધો.10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સીલ કરાયેલી શાળાના સંચાલકો દ્વારા એએમસી અને સરકાર સુધી વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરવા માટે સીલ ખોલી આપવાની માંગ કરી હતી.
સગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો હોવાથી કાયદાને આધીન રહીને એએમસી તે મંજૂરી આપી શકે તેમ નથી. ત્યારે વચગાળાની રાહત તરીકે એએમસીએ સીલ થયેલી શાળાઓ, કે જેઓ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરવા માંગતી હોય તેઓને નિયત મંજૂરી મેળવીને ફક્ત ચાર થી પાંચ કલાક માટે શાળા ખોલવાની મંજૂરી આપવાની વાત કરી છે. ઝી મીડિયા સાથેની વાતચીતમાં એએમસીની ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યુ કે વિદ્યાર્થીઓના હીતમાં ધ્યાનમાં રાખીને આ વચગાળોનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં હોવાથી તેઓ આ મામલે વધુ કહી શકે તેમ નથી. પરંતુ સાથે તેઓએ એમ પણ જણાવ્યુ કે, આગામી 12 જુલાઇએ થનારી સુનાવણીમાં કોર્ટ તરફથી જે આદેશ આપવામાં આવશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube