અમદાવાદમાં ફરજિયાત વેક્સીન સર્ટિફિકેટ યોજનાનો ફિયાસ્કો, સીધી અસર AMTS-BRTS ની આવક પર થઈ
કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગમનને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વેક્સીનેશન (vaccination) ઉપર ખાસ ભાર મૂકાઇ રહ્યો છે. અને તેમાં પણ 20 સપ્ટેમ્બરથી એએમસી સંચાલિત તમામ સેવાઓ અને જાહેર સ્થળો ઉપર વેક્સીન લીધાનુ સર્ટિફિકેટ ન બતાવનારને પ્રવેશબંધી કરાઇ છે. જે અંગે કડક ચેકિંગ પણ શરૂ કરાયુ છે. ત્યારે તંત્રની આ ઝુંબેશની એએમટીએસ અને બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સેવા ઉપર વિપરીત અસર થઇ છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગમનને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વેક્સીનેશન (vaccination) ઉપર ખાસ ભાર મૂકાઇ રહ્યો છે. અને તેમાં પણ 20 સપ્ટેમ્બરથી એએમસી સંચાલિત તમામ સેવાઓ અને જાહેર સ્થળો ઉપર વેક્સીન લીધાનુ સર્ટિફિકેટ ન બતાવનારને પ્રવેશબંધી કરાઇ છે. જે અંગે કડક ચેકિંગ પણ શરૂ કરાયુ છે. ત્યારે તંત્રની આ ઝુંબેશની એએમટીએસ અને બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સેવા ઉપર વિપરીત અસર થઇ છે.
કોરોના સામે લડવા સરકાર દ્વારા વેક્સીનેશન ઉપર ખાસ ભાર મૂકાઇ રહ્યો છે. પરંતુ હજીપણ ઘણા એવા લોકો છે કે જે વિવિધ કારણોસર વેક્સીન (corona vaccine) લેવાનુ ટાળી રહ્યા છે. ત્યારે આવા લોકોને શોધવા અને અન્ય લોકોને કોરોના સામે રક્ષણ મળે તે હેતુથી ગત 20 સપ્ટેમ્બરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સીન ન લેનારાઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત એએમસીની તમામ ઓફિસ, ગાર્ડન, જિમ્નેશ્યમ, લાઇબ્રેરી, કાંકરીયા અને ઝુ સહિત એએમટીએસ (AMTS) -બીઆરટીએસ (BRTS) માં પ્રવેશ લેવા માંગતા લોકો પાસે ફરજિયાત વેક્સીન સર્ટિફિકેટ (vaccine certificate) માંગવામાં આવી રહ્યુ છે. ત્યારે તંત્રની આ ઝુંબેશની શહેરની જાહેર પરીવહન સેવા, એટલે કે એએમટીએસ-બીઆરટીએસ પર ગંભીર અસર પડી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વેક્સીન સર્ટિફીકટે ચેકીંગના કારણે એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરોની સંખ્યા સામાન્ય દિવસો કરતા 30 ટકા ઘટી ગઇ છે, જેની સીધી અસર તંત્રની આવક ઉપર પણ પડી રહી છે. ઉલ્લેખનીય છે કે એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરી કરતા મોટાભાગના મુસાફરો ગરીબ, મધ્યમ વર્ગ અને શ્રમિકો હોય છે. જેઓ વેક્સીન લીધી નથી હોતી અથવા તો તેઓની પાસે સ્માર્ટફોન ન હોવાના કારણે તેઓ વેક્સીન લીધાનુ સર્ટિફીકેટ નથી મેળવી શકતા. ત્યારે 20 સમ્ટેમ્બરથી શરૂ કરાયેલી ચેકીંગ ઝુંબેશ બાદ બન્ને સેવાના દૈનિક મુસાફરો અને આવકમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે.
એએમટીએસમાં સામાન્ય દિવસોમાં દૈનિક અઢીથી ત્રણ લાખ મુસાફરો થકી 17 થી 18 લાખની આવક થતી હતી, પરંતુ બસમાં બેસતા પૂર્વે વેક્સીન સર્ટિફિકેટ રજૂ કરવુ પડતુ હોવાથી મુસાફરોની સંખ્યા 2 લાખની આસપાસ અને આવક ઘટીને 11 થી 12 લાખ થઇ ગઇ છે. આવી જ રીતે બીઆરટીએસમાં પણ સામાન્ય દિવસોમાં મુસાફરોની સંખ્યા 1.15 લાખથી 1.25 લાખ અને આવક 15 થી 16 લાખ નોંધાતી હતી. જેની સામે વેક્સીન સર્ટિફિકેટ ચેકીંગના કારણે મુસાફરો ઘટીને 80 થી 90 હજાર અને આવક 10 થી 11 લાખ થઇ ગઇ છે. ત્યારે સમગ્ર મામલે એએમસીના ઉચ્ચ અધિકારીઓ પણ ચિંતામાં પડી ગયા છે અને આ બાબતનો શું ઉકેલ લાવવા એ અંગે માથાપચ્ચી કરી રહ્યા છે. એક તરફ કોરોના સામે રક્ષણ અને બીજી તરફ ખોટમાં ચાલતી બન્ને સેવાઓની આવકમાં મોટો ઘટાડો, હવે જોવાનુ રહે છેકે એએમસીના ઉચ્ચ અધિકારીઓ આ બેમાંથી કયા વિષયને પ્રાથમીકતા આપે છે.