અમદાવાદના ઓઢવ શિશગૃહની અર્પિતાને અમેરિકન દંપત્તિએ અપનાવી, અર્પિતા હવે જૉય બનીને અમેરિકામાં રહેશે
- અમેરિકન દંપત્તિએ કહ્યું દીકરીને દત્તક લઈને અમે ખુબ ખુશ છીએ
- અમદાવાદના કલેક્ટરે કહ્યું અર્પિતાને હવે પરિવારનો પ્રેમ અને હૂંફ મળશે
- અમદાવાદની અર્પિતા અમેરિકામાં 'જોય' બનીને રહેશે
ઝી બ્યૂરો, અમદાવાદઃ એક તરફ આજે પણ આપણાં કહેવાતા સભ્ય સમાજમાં અનેક એવા કિસ્સાઓ સામે આવે છે જેમાં નવજાત શિશુને ગમે ત્યાં રસ્તા પર ત્યજીને તેના જન્મદાતા ચાલ્યાં જાય છે. ત્યાં બીજી તરફ એવા પણ લોકો છે જે અનાજ બાળકોના નાથ બનીને તેમને માતા-પિતાનો પ્રેમ અને હૂંફ આપીને પારકાને પોતિકા કરીને રાખે છે. આવો જ એક કિસ્સો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે.
અમદાવાદના ઓઢવના શિશુ ગૃહ ખાતે 5 વર્ષની અર્પિતા નામની દીકરીને અમેરિકન દંપત્તિ- નાથન અને જેસિકાએ દત્તક લીધી. સોમવારે ઓઢવ શિશુ ગૃહ ખાતે ભાવસભર વાતાવરણમાં યોજોયેલા આ દિકરીને દત્તક લેવાના કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ કહ્યું કે, અમેરિકન દંપત્તિને દીકરી દત્તક લેવા બદલ હું અભિનંદન પાઠવું છું અને મને વિશ્વાસ છે કે હવે અર્પિતાનું ભાવિ વધુ સુરક્ષિત બનશે. તેમણે ઉમેર્યું હતું કે, હવે અર્પિતાને પરિવારનો પ્રેમ અને હૂંફ મળશે.
દીકરીને દત્તક પ્રક્રિયા લેવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મીડીયા સાથેની વાતચીતમાં નાથને રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે, હું દીકરીને દત્તક લઈને ખુબ ખુશ છું. ઉલ્લેખનીય છે કે 5 વર્ષની અર્પિતા ગાંધીનગર ખાતેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેનો ઉછેર ઓઢવ ખાતેના શિશુગૃહમાં કરવામાં આવ્યો હતો. અમેરિકન દંપત્તિએ અર્પિતાનું નામ જૉય રાખ્યું છે.