અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરના વિકસતા વિસ્તાર એટલે બોપલ-ઘુમાના રહેવાસીઓ માટે એક આનંદના સમાચાર મળી રહ્યા છે. ઘણા સમયથી બોપલ-ઘુમા વિસ્તારમાં નર્મદાના નીરની માંગ હતી. જે હવે પુરી થવા જઈ રહી છે. એટલે કે જૂન-જુલાઈ સુધીમાં બોપલના રહેવાસીઓને નર્મદાના નીર મળતા થઈ જશે. નર્મદાના નીર- વોટર કમિટી ચેરમેન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોપલ-ઘુમા વિસ્તારમાં નર્મદાના નીર પહોંચાડવા માટે ઔડા દ્વારા 1 ભૂગર્ભ સંપ અને 6 ઓવરહેડ ટાંકીનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. કમાન્ડ એરિયામાં નેટવર્કનું કામ પણ પૂર્ણ થયું છે. હાલ લાઈન વોશઆઉટની કામગીરી ચાલી રહી છે. હાલ ઘુમા વિસ્તાર માટે પણ કામગીરી શરૂ કરાઇ છે, જેને પણ વહેલી તકે પૂર્ણ કરાશે તેવું નર્મદા નીર વોટર ચેરમેનનું નિવેદન છે. શુક્રવારે ઘુમા વિસ્તાર માટે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈનના કામ પણ મંજુર કરાયા છે.


મહત્વનું છે કે બોપલ વિસ્તારમાં નર્મદાની પાઈપલાઈન નાખવાનું કામ પૂર્ણ થવાના આરે છે. જેમાં 10થી 15 ટકા જેટલું કામ બાકી છે. બે-ચાર મહિનામાં કામગીરી પૂર્ણ થતા બોપલ વાસીઓને ટૂંક સમયમાં નર્મદાનું પાણી મળશે. બોપલ વિસ્તારમાં રહેતા આશરે 60 હજારથી વધુ નાગરિકોને નર્મદાનું પાણી મળશે. અમદાવાદ કોર્પોરેશનમાં નવા સમાયેલા વિસ્તાર બોપલ ઘુમા ઔડામાં હોવાના લીધે  પીવાના પાણીની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હતી. 


જો કે તેનો કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવતા આ વિસ્તારમાં ધીરે ધીરે  પ્રાથમિક સુવિધાના કામો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં નોન વોટર ઝોનના રહેલા વિસ્તારોને પણ વોટર ઝોનમાં સમાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે  અમદાવાદ શહેરના નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube