Video Viral: અમદાવાદમાં મેટ્રોના ટ્રેક પર વાનરરાજ! વાંદરાઓના ઝૂંડે રોકી મેટ્રોની રફતાર, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર!
શાહપુરથી ઇન્કમ ટેક્સ સુધીના મેટ્રો રૂટ પર કપિરાજનું ઝૂંડ આમ તેમ આંટા મારી રહ્યું હતું. અહીં જેટલા કપિરાજ વૃક્ષ પર નથી હોતા એટલા કપિરાજ આ ટ્રેક પર અડીંગો જમાવીને બેઠા હતા. મેટ્રો રેલમાં ટ્રેક પર મેટ્રો ટ્રેનની સામે જ અચાનક વાનર સેના આવી જતાં મુસાફરોનો જીવ તાળવે ચોટ્યો હતો.
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ શું તમે ક્યારેય મેટ્રો ટ્રેનમાં સફર કરી છે ખરાં? મેટ્રોની સફર કરતા પહેલાં એકવાર અમદાવાદનો આ વીડિયો પણ જરૂર જોઈ લેજો. તેથી મેટ્રોમાં સફર કરતી વખતે ક્યાં તમારી સાથે પણ આવી ઘટના બને તો અચાનક તમે ડરી ના જાઓ. કારણકે, મેટ્રોના ટ્રેક પર અડ્ડો જમાવીને બેઠાં હોય છે વાનરરાજ. જીહાં, અમદાવાદના મેટ્રો રેલ તો શરૂ કરવામાં આવી પણ એના સંચાલકોએ પણ ક્યારેય નહીં વિચાર્યું હોય કે જમીનથી આટલી ઉંચાઈ પણ પણ વાંદરાઓ હેરાન કરશે. કહેવાય છેકે, મેટ્રોના ટ્રેક પર એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છેકે, ત્યાં ટ્રેન સિવાય પરિંદો પણ પર મારી ના શકે. પણ વાનરરાજને કોણ રોકી શકે? જુઓ આ એક્સક્લુસિવ વીડિયો...
અમદાવાદના મેટ્રો રૂટ પર કપિરાજોના ટોળાએ કબજો જમાવી લેતાં ટ્રેન ચાલક સહિત મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. અમદાવાદના શાહપુરથી ઈન્કમટેક્સ તરફ જતા મેટ્રો રૂટમાં આ ઘટના બની છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, શાહપુરથી ઇન્કમ ટેક્સ સુધીના મેટ્રો રૂટ પર કપિરાજનું ઝૂંડ આમ તેમ આંટા મારી રહ્યું હતું. અહીં જેટલા કપિરાજ વૃક્ષ પર નથી હોતા એટલા કપિરાજ આ ટ્રેક પર અડીંગો જમાવીને બેઠા હતા. મેટ્રો રેલમાં ટ્રેક પર મેટ્રો ટ્રેનની સામે જ અચાનક વાનર સેના આવી જતાં મુસાફરોનો જીવ તાળવે ચોટ્યો હતો. મેટ્રો ટ્રેક પર અચાનક વાનરોનું ટોળું જોઈ ટ્રેનના ચાલક પણ ગૂંચવાઈ ગયા અને હદ તો ત્યારે થઈ જ્યારે દુર્ઘટનાને રોકવા માટે મેટ્રો ટ્રેનની સ્પીડને ઘટાડવાની ફરજ પડી હતી.
એક બે સ્થળે નહીં પરંતુ શાહપુરથી ઈન્કમટેક્સ સુધીના મેટ્રો રૂટ પર વાનરોએ અડીંગો જમાવતાં મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે. જો એરપોર્ટ પર એક પક્ષી પણ ઉડતું જોવા મળે તો એરપોર્ટ ઓથોરિટી ફટાકડા ફોડીને પક્ષીઓને ભગાવે છે, પરંતુ અમદાવાદના મેટ્રો રૂટ પર એક બે નહીં વાનરોનું આખે આખું ઝુંડ અડીંગો જમાવીને બેઠું છે. પરંતુ તંત્રને આ દ્રશ્યો દેખાઈ નથી રહ્યાં.
જો તંત્ર નહીં જાગે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ઝી 24 કલાક પર આ ઘટનાના એક્સક્લુઝિવ દ્રશ્યો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં મેટ્રો સંચાલકોએ ભલે ક્યારેય ના વિચાર્યું હોય કે તેમના રૂટ પર વાનરો અડીંગો જમાવશે પરંતુ તેમની નિષ્ક્રિયતા કેટલી હદે છે તે આ વાનરોના ઝુંડથી ખુલ્લી પડી ગઈ છે.