અમદાવાદ: અમદાવાદમાં રિક્ષા ચાલક દ્વારા સ્વયંભુ બંધનું એલાન આપવામાં આવ્યું છે. રિક્ષા ચાલકોના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ઘણી જગ્યાએ રિક્ષાઓ ચાલતી જોવા મળી છે. કાલુપુરમાં રિક્ષા ચાલકોએ પ્રાઇવેટ ટેક્સીઓ બંધ કરાવી હતી. રિક્ષા ચાલકોની હડતાળના કારણે વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ઘણી જગ્યાએ રિક્ષા બંધ કરાવવા માટે રિક્ષા ચાલકો રસ્તા પર ઉતર્યા હતા અને એએમટીસના કાચા તોડ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિક્ષા ચાલકો દ્વારા હંગામો મચાવતાં પોલીસે વિખેર્યા હતા.  ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે રિક્ષાચાલકોને હેરાન કરવામાં આવે છે તેવો રિક્ષા એસોસિયેશન દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રિક્ષાચાલકોને પીક અપ સ્ટેન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી રિક્ષાચાલકોએ માંગણી કરી છે. 2 લાખ રિક્ષાચાલકો હડતાળમાં જોડાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ હડતાળને કોંગ્રેસ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે. શહેરના 17 રિક્ષા એસોસિએશન દ્વારા આ હડતાળને સમર્થન આપવામાં આવ્યું છે. 


હડતાળની મુખ્ય અસર શહેરના કાલુપુર રેલવે સ્ટેશન,ગીતામંદિર બસસ્ટેશન અને એરપોર્ટ પર જોવા મળશે. રિક્ષાચાલકોની માંગણી છે કે શહેરમાં માત્ર 2100 પાર્કિંગ સ્ટેન્ડ છે જેથી તેને વધારવામાં આવે. રિક્ષાચાલકોની હડતાલને પગલે અપડાઉન કરતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. 


અત્રે ઉલ્લેખનીય છે રિક્ષાચાલકો એક દિવસની હડતાલ પાડી પોતાનો વિરોધ દર્શાવશે. અમદાવાદ શહેરમાં હાલ 1 લાખ 40 હજાર ઓટોરિક્ષા દોડી રહી છે. દરરોજ અંદાજે બે લાખ શહેરજનો રિક્ષામાં મુસાફરી કરે છે.