મૌલિક ધામેચા/અમદાવાદ : આડાસંબંધમાં પતિ અથવા પત્નીની હત્યાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ક્યારેક પોતાના સંબંધમાં અડચણરૂપ સંતાનોની પણ નિર્દયતાથી હત્યા થયાના કિસ્સા સામે આવે છે. પણ સગી જનેતા જ પોતાના આડાસંબંધની પોલ ખૂલી ન જાય તે માટે ઠંડા કલેજે માસૂમની હત્યાને અંજામ આપે ત્યારે ફિટકાર વરસાવવા સિવાય કઈ જ બચતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ગ્રામ્ય પોલીસ ગુમ થયેલા બાળકોને શોધવાની ડ્રાઈવ કરી રહી હતી ત્યારે અઢી વર્ષ જૂના એક કેસમાં પોલીસને મોટી સફળતા મળી. અહીં માસૂમ તો મળ્યો નથી પણ તેની સાથે જે થયું તે જાણીને પોલીસના પણ રુંવાડા ખડા થઈ ગયા હતા. અહીં જે જનેતાએ 6 વર્ષનો પોતાનો પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી તે પુત્રની પોતે જ હત્યા કર્યાનું સામે આવ્યું છે. અને હત્યા કરવા પાછળનું કારણ પોતાના જ દિયર સાથેના આડાસંબંધ નીકળતા પોલીસે બંનેની ધરપકડ કરી છે.


વિરમગામના જાલમપુરા ગામમાં કોઈ ફિલ્મની સ્ટોરી હોય તેવી બનેલી આ ઘટનાનો અઢી વર્ષે પર્દાફાશ થયો છે. જે બાળક ગુમ થયાની પોલીસ ફરિયાદ તેની જ સગી જનેતાએ નોંધાવી હતી તે જ બાળક અંગે તેની જ માતા જાણતી હતી. પોતે જ પોતાના કૂખેથી જન્મેલા માસૂમની આ નિર્દયી સ્ત્રીએ હત્યા કરાવી પૂરાવાનો નાશ પણ કરી દીધો હતો. અને પતિ સાથે પોલીસ સ્ટેશને પોતાના ગુમ થયેલા બાળક અંગે ભાળ મેળવવા માટેના ધક્કાના નાટકો કરતી હતી. 


જાલમપુરા ગામની જ્યોત્સનાના તેના જ સગા દિયર રમેશ સાથે આડાસંબંધ હતાં. અને તેના આડાસંબંધની જાણ 6 વર્ષના પુત્રને થઈ ગઈ. પુત્ર પરિવારમાં કોઈને કહી દેશે તે બીજો જ્યોત્સના અને તેના દિયર રમેશે આ બાળકને જ રસ્તા વચ્ચેથી હટાવી પોતાની કામવાસનાને ચાલુ રાખવાનો પ્લાન ઘડ્યો અને હત્યાને અંજામ આપવા માટે હાર્દિકને 28 સપ્ટેમ્બર 2018ના દિવસે ખેતરમાં લઈ ગયા. જ્યાં કાકાના નામે કલંક એવા રમેશે માસૂમનું નિર્દયતાથી ગળુ દબાવી દીધુ અને તે મૃત્યુ પામ્યો તો ત્યાં જ ખારાબાની બાવળવાળીમાં માસૂમનો મૃતદેહ પણ સળગાવી દીધો. મૃતદેહ સળગી ગયા પછી અવશેષો અને રાખ કોથળામાં ભરી રેતીમાં દાટી આરામથી નોકરીએ નીકળી ગયો અને જ્યોત્સના પણ ઠંડા કલેજામાં હત્યાની માહિતી ભરાવી રાખી ઘરે જતી રહી. બીજા દિવસે રમેશ પાછો આવ્યો અને કોથળો કાઢી ગટરમાં નાખી દીધો અને પરિવારને હાર્દિક ગુમ થઈ ગયો હોવાની જાણ કરી. 


આમ બંને આરોપીઓએ કોઈને ગંધ આવે નહીં એ રીતે માસૂમની હત્યા કરી પુરાવાનો નાશ પણ કરી દીધો. અને માતા જ્યોત્સનાએ જ નિર્લજ્જતાથી પુત્ર ગુમ થયાની જાણ કરી અઢી વર્ષ આરામથી વીતાવ્યા. અંતે બંનેનો ભાંડો ફૂટી જતાં જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. બંને આરોપી હાલ રિમાન્ડ પર છે. બંને સામે હત્યાનો ગુનો નોંધી ગુનાહિત ષડયંત્ર અને પુરાવાનો નાશ કરવા અંગેની અનેક કલમ ઉમેરવામાં આવશે. હાલ તો આ નિર્દયી માતા સામે પરિવારજનો પણ ફિટકાર વિરસાવી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube