અમદાવાદઃ અમદાવાદના વસ્ત્રાપુરના એક વેપારીને મહિલાને લિફ્ટ આપવાનું મોંઘું પડી ગયું છે. આ મહિલાએ તેના સાગરિતોની મદદથી વેપારીની પાસેથી રૂ.50 હજાર અને કાર લૂંટી લીધી હતી. સાથે જ રૂ.10 લાખની ખંડણી પણ માગી હતી. જોકે, વેપારી પૈસા આપવાના બહાને ગુંડાઓની જાળમાંથી બચવામાં સફળ રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ. જાડેજાએ આ ઘટના અંગે જણાવ્યું કે, અમદાવાદ ના વસ્ત્રાપુરમાં મનોજ જાની નામના એક વેપારી વ્યવસાય ધરાવે છે. તેઓ કાર લઈને એસજી હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક 45 વર્ષની મહિલાએ તેમની પાસે લિફ્ટ માગી હતી. 


વેપારીએ મહિલાને લિફ્ટ આપી અને કાર આગળની દિશામાં હંકારી દીધી હતી. તેઓ નિરમા યુનિવર્સિટી પહોંચ્યા ત્યારે ત્યાં ત્રણ અન્ય વ્યક્તિએ કારને ઊભી રખાવી હતી. ત્યાર બાદ વેપારીને કહ્યું કે તમે મહિલાનું અપહરણ કર્યું છે અને એમ કહીને તેઓ કારમાં બેસી ગયા હતા તથા વેપારીને ચિલોડા લઈ ગયા હતા. 


ચિલોડા પહોંચીને મહિલા તથા તેના સાગરિતોએ ભેગામળીને વેપારીને ધમકાવી તેમની પાસે રહેલા રૂ.50 હજાર રોકડા પડાવી લીધા હતા. ત્યાર બાદ તેમણે છોડવા માટે વધુ રૂ.10 લાખની ખંડણી માગી હતી. આટલા બધા રૂપિયાના પોતાની પાસે ન હોવાથી બહેનના ઘરેથી આપું છું એમ કહીને વેપારી ગુંડાઓ સાથે બોડકદેવ તેમનાં બહેનના ઘરે આવ્યા હતા. 


બોડકદેવમાં દૂર કાર ઊભી રાખીને કહ્યું કે હું 10 મિનિટમાં રૂપિયા લઈને આવું છે એમ કહીને વેપારી ગુંડાઓની ચુંગાલમાંથી છટકી ગયાહતા. થોડા સમય સુધી વેપારી પાછા ન આવતાં ગુડાઓ પણ વેપારીની કાર લઈને ફરાર થઈ ગયા હતા. 


જોકે, આ સમગ્ર ઘટનામાં આરોપી કાર લઇ જતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે મહિલાને સાથે રાખી લૂંટ કરતી આ ગેંગને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.