મંકીપોક્સથી ગુજરાતમાં એલર્ટ! સિવિલમાં ઉભો કરાયો સ્પેશિયલ વોર્ડ
Monkeypox Alert : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં D9 વોર્ડમાં 8 બેડ તૈયારી દેવાયા છે, જેથી ગુજરાતમાં મંકીપોક્સનો કોઈ કેસ આવે તો તાત્કાલિક સારવાર આપી શકાય છે
અતુલ તિવારી/અમદાવાદ :કોરોના બાદ હવે વિશ્વ મંકીપોક્સ વાયરસ હાહાકાર મચાવી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં 4 મંકીપોક્સ વાયરસનાં દર્દીઓ નોંધાયા છે, જેથી હવે સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. WHO એ મંકીપોક્સ વાયરસ મામલે હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. ત્યારે ગુજરાતનું આરોગ્ય ખાતુ પણ એક્ટીવ થઈ ગયું છે.
સિવિલમાં તૈયારીઓ શરૂ
વિશ્વના 75 દેશમાં અત્યાર સુધીમાં અંદાજે 16 હજાર મંકીપોક્સનાં દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ભારતમાં 4 કેસ નોંધાયા છે. મંકીપોક્સ વાયરસ મામલે સરકારે ગાઇડલાઈન પણ જાહેર કરી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ એલર્ટ થઈ ગયુ છે. હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ કેસ આવે તો વ્યવસ્થા હોય તે માટેના પગલા લેવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં D9 વોર્ડમાં 8 બેડ તૈયારી દેવાયા છે, જેથી ગુજરાતમાં મંકીપોક્સનો કોઈ કેસ આવે તો તાત્કાલિક સારવાર આપી શકાય છે. તેમજ અન્ય લોકોમાં ચેપ ન પ્રસરી શકે તો તકેદારી રાખવામાં આવે.
આ પણ વાંચો : દ્વારકા મંદિરે દર્શન કરવા જજો તો સંભાળજો, ધજા ચઢાવવા જતા શ્રદ્ધાળુઓ આખલાના આતંકથી ઘાયલ
હોસ્પિટલમાં 8 બેડ તૈયાર રખાયા
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આ વિશે કહ્યુ કે, મંકીપોક્સ પ્રાણીઓથી માણસોમાં ફેલાતો વાયરસ છે, કોરોનાની જેમ હવાના માધ્યમથી ફેલાતો નથી. ગુજરાતમાં હજી સુધી એકપણ કેસ કેસ ન નોંધાતા હાલ રાહતના સમાચાર છે. પરંતુ તકેદારીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તંત્ર એલર્ટ કરાયુ છે. ભવિષ્યમાં 8 બેડનાં બદલે જરૂર પડે તો 18 બેડની સુવિધા ઊભી કરાશે.
શરીર પર ફોલ્લા પડે તો એલર્ટ થઈ જાઓ
તેમણે લોકોને અપીલ કરતા જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિને તાવ આવે, શરીર પર ફોલ્લા પડે, ગળામાં દુખાવો થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો. બેથી ત્રણ અઠવાડિયામાં મંકીપોક્સનાં લક્ષણો જોવા મળતા હોય છે, કોરોનાની જેમ માસ્ક પહેરવું અને ગાઈડલાઈનનું પાલન કરીશું તો સુરક્ષિત રહી શકીશું.
આ પણ વાંચો : ચા પીને કપ ખાઈ જાઓ, વડોદરાના યુવકનું નોખું સ્ટાર્ટઅપ, ચા-બિસ્કીટ જેવી આવે છે ફીલિંગ
WHO એ કટોકટી જાહેર કરી
ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશોમાં મંકીપોક્સનું સંક્રમણ વધતાં WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. જી હા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંકીપોક્સનો રોગચાળો વકરતાં ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. તો કોરોના મહામારી પછી દુનિયા પર બીજી મોટી મહામારીનો ખતરો મંડરાવા લાગ્યો છે અને આખી દુનિયા સાવધાન થઈ જાય અને મંકીપોક્સના સંક્રમણને રોકવા માટે એલર્ટ મોડમાં આવી જાય તે માટે WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે.
દુનિયાના 60 થી વધુ દેશોમાં મંકીપોક્સ વાયરસ ફેલાઈ ચુક્યો છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ બીમારીને લઇને મોટી જાહેરાત કરી છે. WHO એ કહ્યું કે મંકીપોક્સનું જોખમ વૈશ્વિક સ્તર પર જોવા મળ્યું છે. યુરોપીયન દેશોમાં આ ઘાતક વાયરસનું જોખમ સૌથી વધારે છે. હાલના સમયને જોતા તે કહેવું ખોટું નથી કે આગામી સમયમાં ઇન્ટરનેશનલ પ્રસારનું એક સ્પષ્ટ જોખમ છે. જોકે, ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં હસ્તક્ષેપનું જોખમ હાલ ઓછું છે. તમામ જોખમોને જોતા WHO એ મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદની સુનામી આવી, આગામી 48 કલાક ચેતીને રહેજો, આજથી વરસાદનું જોર વધશે
WHO ના મહાનિર્દેશક ટેડ્રોસ એધાનમ ઘેબ્રેયસસે શનિવારે જણાવ્યું હતું કે, ઝડપથી ફેલાતો મંકીપોક્સનો પ્રકોપ વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીને પ્રતિબિંબિત કરે છે. વૈશ્વિક આરોગ્ય કટોકટીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સર્વોચ્ચ સ્તરની ચેતવણી છે. ટ્રેડ઼ોસે કહ્યું કે, હવે મંકીપોક્સ માટે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાની જરૂરિયાત છે. આ સાથે રસી અને આ સારવારની વહેંચણીમાં સહકાર આપવા માટે ભંડોળ અને વૈશ્વિક પ્રયાસોની જરૂર છે.
જીનીવામાં એક મીડિયા બ્રીફિંગ દરમિયાન સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરવાના તેમના નિર્ણયની જાહેરાત કરી છે. ટેડ્રોસે પુષ્ટિ કરી કે સમિતિ સર્વસંમતિ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 60 થી વધુ દેશ મંકીપોક્સના 16,000 થી વધુ કેસ સામે આવ્યા છે અને આફ્રિકામાં આ બીમારીના કારણે 5 લોકોના મોત પણ થયા છે.