અમદાવાદ સિવિલમાં એમ્બ્યુલન્સની લાઈનો પડી, એક ગાડીમાં 5 થી 7 કોરોના દર્દીઓ આવી રહ્યાં છે
- સિવિલ કેમ્પસના કોવિડ હોસ્પિટલ નજીક 108 એમ્બ્યુલન્સની લાંબી લાઈનો અને સર્જાયેલી અવ્યવસ્થા વાયરલ વીડિયોમાં સામે આવી રહી છે
- VVIP હોસ્પિટલમાં ફક્ત vvip દર્દીઓને જ દાખલ કરાય છે. બીજી તરફ સામાન્ય લોકોને ખાનગી હોસ્પિટલમાં મોટી ફી ચૂકવવી પડશે
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના રસ્તાઓ પર સતત દોડતી એમ્બ્યુલન્સના સાયરનથી લોકોના ધબકાર વધી જાય છે. કોઈ પણ રસ્તા પરથી પસાર થાઓ તો એમ્બ્યુલન્સની સતત આવનજાવન રહેતી હોય છે. ત્યારે આવામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસનો નજારો વધુ ભયાવહ છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દર્દીઓની અવરજવરથી એમ્બ્યુલન્સનો ભરાવો થઈ રહ્યો છે. કેમ્પસમાં એમ્બ્યુલન્સની લાઈનો પડી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતા અવ્યવસ્થાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં સતત એમ્બ્યુલન્સની સાયરન સંભળાઈ રહી છે
સિવિલ કેમ્પસના કોવિડ હોસ્પિટલ નજીક 108 એમ્બ્યુલન્સની લાંબી લાઈનો અને સર્જાયેલી અવ્યવસ્થા વાયરલ વીડિયોમાં સામે આવી રહી છે. એક જ એમ્બ્યુલન્સમાં 5 થી 7 કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે સતત 108 એમ્બ્યુલન્સની સાયરન સંભળાઈ રહી છે. દર્દીઓ સાથે તેમના સગાંવહાલાં પણ પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ, કોરોનાના કેસો વધતા સિવિલ કેમ્પસમાં પણ સતત બેડ વધારવામાં આવી રહ્યા છે. કેન્સર, કિડની અને હાર્ટ હોસ્પિટલમાં પણ બેડ વધારવા પ્રયાસો થઈ રહ્યા છે. 1200 બેડ કોવિડ હોસ્પિટલ ફૂલ થતા મંજુશ્રી કમ્પાઉન્ડમાં આવેલી નવી કિડની હોસ્પિટલ ખાતે દર્દીઓ ખસેડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : કોરોનાગ્રસ્ત પિતાનું મોત થતા પુત્રીના હૈયાફાટ રૂદનથી સૌની આંખ ભીંજાઈ, ‘હજુ થોડીવાર મને મારા પપ્પાને જોવા દો....’
થલતેજના સુવાસ એપાર્ટમેન્ટમાં 750 લોકો ક્વોરેન્ટાઈન
અમદાવાદ શહેરમાં કોરોના કેસો વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર પણ સતત વધી રહ્યા છે. દિન પ્રતિ દિન નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારની સંખ્યા 335 પર પહોંચી ગઈ છે. થલતેજમાં આવેલા સુવાસ એપાર્ટમેન્ટના તમામ 202 ઘરમાં રહેતા 750 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. કાલે નવા 35 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા છે. અગાઉના 18 વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સ્મશાન ગૃહના આ દ્રશ્યો કોઈને પણ કંપારી છુટાવી દે તેવા છે, સુરતમાં કોરોનાની પરિસ્થિતિ ડેન્જર ઝોનમાં પ્રવેશી
કોરોના વિસ્ફોટમાં ગરીબ દર્દીઓની હાલત કફોડી
અમદાવાદ શહેરમા એક તરફ કોરોનાનો અતિ મોટો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. જેમાં બીજી તરફ તંત્ર તરફથી ગરીબ દર્દીઓ માટે કોઈ રાહત નથી મળી રહી. Amc એ ખાનગી હોસ્પિટલને આદેશ કર્યો છે કે, 50 ટકા બેડ ફરજિયાત કોવિડ દર્દીઓ માટે રાખવાના રહેશે. 50 ટકા બેડ તેઓ પોતાના ઉપયોગમાં લઇ શકશે. ખાનગી 18 હોસ્પિટલમાં 1219 બેડનો સ્વખર્ચે જ ઉપયોગ થઈ શકશે. સારવાર માટે સ્વખર્ચે દર્દીઓએ સારવાર લેવી પડશે. અગાઉની માફક અમુક ક્વોટામાં હવે સારવાર નહીં મળે. એક તરફ svp હોસ્પિટલમાં ફક્ત vvip દર્દીઓને જ દાખલ કરાય છે. બીજી તરફ સામાન્ય લોકોને ખાનગી હોસ્પિટલમાં મોટી ફી ચૂકવવી પડશે.
આ પણ વાંચો : આ ડરામણું છે પણ સત્ય છે... 3 કોરોના દર્દીઓેએ રાજકોટની સિવિલ હોસ્પિટલના લોબીમાં જ દમ તોડ્યો