સિવિલ હોસ્પિટલની વધુ એક ઉપલબ્ધીઃ 80 ટકા વળી ગયેલી કરોડરજ્જુને સીધી કરી
માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી એક 28 વર્ષની ગરીબ યુવતીની સારવાર કરીને હોસ્પિટલના તબીબોએ તેને નવજીવન આપ્યું છે. સિવિલ હોસ્પિટલના ઈતિહાસમાં અત્યાર સુધી આવી 6 સર્જરી કરવામાં આવી છે, તેમાં આ યુવતીની સર્જરીનો સમાવેશ થાય છે. આવી બિમારી પુરુષોમાં તો હજારે એક કિસ્સામાં જોવા મળે છે, પરંતુ યુવતીઓમાં આ બિમારીના જૂજ કિસ્સા હોય છે
અમિત રાજપૂત/અમદાવાદઃ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી એક 28 વર્ષની ગરીબ યુવતીની સારવાર કરીને હોસ્પિટલના તબીબોએ તેને નવજીવન આપ્યું છે. સિવિલ હોસ્પિટલના ઈતિહાસમાં અત્યાર સુધી આવી 6 સર્જરી કરવામાં આવી છે, તેમાં આ યુવતીની સર્જરીનો સમાવેશ થાય છે. આવી બિમારી પુરુષોમાં તો હજારે એક કિસ્સામાં જોવા મળે છે, પરંતુ યુવતીઓમાં આ બિમારીના જૂજ કિસ્સા હોય છે.
સુરતમાં રહેતી 28 વર્ષિય યુવતીને દસ વર્ષ પહેલાં કરોડરજ્જૂની બિમારી થઇ હતી અને ધીમે-ધીમે તે 80 ટકા સુધી વળી ગઇ હતી. જેના કારણે તેનું શરીર ઊંચું થઈ શક્તું ન હતું અને સામે શું ચાલી રહ્યું છે તેની તેને કશી જ ખબર પડતી ન હતી. રોજિંદા કાર્યોમાં પણ ઘણી હાલાકી પડતી હતી. યુવતીએ નાની વયે જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હોવાના કારણે તે સાડી વાળવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી.
વર્લ્ડ રેકોર્ડ Photos : 2000 રાજપૂત દીકરીઓએ એકસાથે કર્યા તલવાર રાસ
બિમારીનું નિદાન કરવા તેણે સુરતના વિવિધ તબીબોની સલાહ લીધી હતી. જો કે, સુરતમાં આ ઓપરેશન ન થતું હોવાથી તબીબોએ તેને મુંબઇ અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જવા સલાહ આપી હતી. આથી 15 દિવસ પહેલાં યુવતી પોતાના સગા સાથે સિવિલ હોસ્પિટલમાં આવી હતી. સિવિલ હોસ્પિટલના પ્રોફેસર ડો. જે.પી.મોદી, ડો.મિતુલ મિસ્ત્રીએ યુવતીની તપાસ કરી અને પછી તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. છ કલાકની ભારે જહેમત બાદ તબીબોએ સફળ સર્જરી કરી હતી. હવે યુવતી એકદમ સ્વસ્થ છે. તે સીધી ચાલી શકે છે. થોડા દિવસોમાં જ યુવતિ પોતાના રોજિંદા કાર્ય કરી શકશે અને કામ પણ કરી શકશે.
આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. એમ.એમ. પ્રભાકરે જણાવ્યું કે, આ બહુ જટીલ સર્જરી હોય છે. જેમાં કરોડરજ્જૂ અથવા ચેતાતંત્રને નુકશાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. અમારી ટીમે છ કલાકની ભારે જહેમત બાદ યુવતીનું સફળ ઓપરેશન કર્યું છે. યુવતીનાં કરોડરજ્જૂમાં 20 સ્ક્રૂ નાખીને તેને સીધી કરવામાં આવી છે. યુવતી હવે સીધી ચાલી શકે છે. યુવતી આ સફળ સર્જરી બાદ ખુબ ખુશ છે અને નવું જીવન શરુ કરી પગભર થવાની ઈચ્છા રાખે છે.
આ ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો તબીબો 3થી 5 લાખ સુધીનો ખર્ચ લેતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં આ ઓપરેશન નિઃશૂલ્ક કરવામાં આવ્યું છે. આ રોગનું જેટલું ઝડપથી નિદાન થાય તેટલું સારું પરિણામ આવે છે. એટલે કે જો 15થી 25 વર્ષની વયે ખબર પડી જાય તો બિમારી ફિઝિયોથેરાપીથી પણ આગળ વધતી અટકાવી શકાય છે. આ ઉપરાંત ઓપરેશન પણ બિમારીનો બીજો ઈલાજ છે.
જુઓ LIVE TV....