ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમવાર હાર્ટ ડોનેશનમાં સફળતા મળી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (civil hospital) માં દર્દી મુકેશસિહ સોલંકી બ્રેઇનડેડ જાહેર થતા તેમના 4 અંગોની સાથે હૃદયનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી. જૂનાગઢના મુકેશસિંહ સોલંકીના હૃદય (heart transplant) ને સિવિલ હોસ્પિટલથી સિમ્સ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર કરીને પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યું હતુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૃદયને ગ્રીન કોરિડોર મારફતે પોલીસ એક્સકોર્ટની મદદથી 12 કિ.મી.નું અંતર ફક્ત 11 મીનિટમાં કાપી પ્રત્યારોપણ માટે સરળતાથી પહોંચાડવામાં સફળતા મળી હતી. મુકેશસિંહના 5 અંગો (organ donation) માંથી કિડની અને સ્વાદુપિંડ સુરતના 35 વર્ષના એક દર્દીને, જ્યારે બીજી કિડની 65 વર્ષના અમદાવાદના દર્દીને, જયારે લીવર 40 વર્ષની અમદાવાદની મહિલામાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. 


આ પણ વાંચો : રક્તરંજિત થયો પોરબંદર-સોમનાથ હાઈવે, કાર ડિવાઈડર સાથે ભટકાતા 3 યુવકોના મોત


મુકેશભાઇના હૃદયને મોરબીના 36 વર્ષના પુરુષ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતુ. જેની વિગતો જણાવતા સીમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ધીરેન શાહે જણાવ્યું કે, મોરબીના 36 વર્ષના પુરુષ દર્દી મારફાનોઇડ સિન્ડ્રોમથી પીડાઇ રહ્યા હતા. જેના કારણે શરીરના સ્નાયુઓ નબળા થઇ રહ્યા હતા. જેની આડઅસર હૃદય પર પણ વર્તાવા લાગી. દર્દીના હૃદયના વાલ્વ પણ ખરાબ થઇ જવા પામ્યા હતા. તેમની મહાધમની ફૂલી રહી હતી. જેના નિયંત્રણ માટે 2017માં તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. સર્જરી બાદ સમય જતા હૃદયમાં રૂધિરનું વહન 10 ટકા જેટલું જ થઇ રહ્યું હોવાથી પેશમેકર પણ મૂકવામાં આવ્યુ હતુ. છેલ્લા એક વર્ષથી દર્દીનું બ્લડપ્રેશર પણ 80 થી 90 જેટલું રહેતુ હતુ. આ પરિસ્થિતિને મેડિકલ ભાષામાં “ડિકમ્પનસ્ટેટેડ હાર્ટ ફેલ્યોર (ક્ષતિગ્રસ્ત હ્યદય) તરીકે ઓળખાવામાં આવે છે. જેમાં શરીરના દરેક અંગમાં બ્લડપ્રેશર ઓછુ થઇ જાય છે, જે કારણોસર અન્ય અંગોમાં પણ આડઅસર વર્તાવાની સંભાવના વધી જાય છે. 


આ તમામ પરિસ્થિતો વચ્ચે જ્યારે આ પુરુષ દર્દીને હૃદયનું દાન મળ્યુ અને જેનું હોસ્પિટલ દ્વારા 5 કલાકની જટીલ સર્જરી બાદ સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જેના થકી આ દર્દીના જીવનમાં ખરા અર્થમાં ઉજાસ પથરાયો છે. તેઓ આગામી જીવન કાર્યક્ષમતા સાથે પસાર કરી શકશે. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, ગુજરાતની સંવેદનશીલ સરકારની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ સિવિલ હોસ્પિટલમાં 9 મહિનામાં 11 બ્રેઇનડેડ દર્દીઓના 35 અંગોનું દાન મેળવીને 29 જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે. જેમાં છેલ્લા 9 દિવસમાં 3 અંગદાન થયા છે. 


આ પણ વાંચો : રેકોર્ડબ્રેક ઘટના : તબીબોએ એક જ દિવસમાં 18 પ્રસૂતિ કરાવીને 18 બાળકોને માતાના ખોળામાં રમતા કર્યાં


સિવિલ હોસ્પિટલની (SOTTO) ની ટીમના સહિયારા પ્રયાસોના ભાગરૂપે જ આજે સિવિલ હોસ્પિટલના ઈતિહાસમાં પ્રથમ વખત હૃદયનું પણ દાન મળ્યું છે, જે સફળતાપૂર્વક અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરાતા અમારી ટીમને આનંદની લાગણી છે. અંગદાન થકી અન્ય જરૂરિયાતમંદ દર્દીને નવજીવન મળે છે. તેમના જીવનમાં ઉજાસ પથરાય છે માટે વધુમા વધુ લોકોએ અંગદાન માટે આગળ આવવું જોઇએ. અમદાવાદ સિવિલ હોસ્પિટલને ડિસેમ્બર -2020 માં અંગોના રીટ્રાઇવલ(પુન: પ્રાપ્તિ) સેન્ટર તરીકેની મંજૂરી મળતા હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા દર્દીના અંગોનું હોસ્પિટલ ખાતે જ રીટ્રાઇવલ કરીને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ (પ્રત્યારોપણ) માટે મોકલી શકાય છે.


12 કિ.મી.નું અંતર 11 મીનિટમાં કાપ્યું 
બ્રેઇનડેડ થયેલ વ્યક્તિના જયારે ફેફસા તેમજ હૃદય જેવા અંગો શરીરમાંથી કાઢ્યા બાદ અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરીને બેસાડવા માટે નિયત ચારથી છ કલાકનો સમય અસરકારક રહે છે. જે માટે દર્દી સુધી પહોંચવા માટે પોલીસ તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પેશિયલ રૂટ નક્કી કરી એમ્બ્યુલન્સને એસ્કોર્ટ કરી ઓછામાં ઓછા સમયમાં પહોંચાડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે 41 વર્ષના બ્રેઇનડેડ દર્દીના શરીર માંથી હૃદય કાઢી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઓપરેશન થિયેટરથી લઈ લિફ્ટ સુધી ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોર લીફ્ટમાંથી બહાર આવી ટ્રોમા સેન્ટરના ગેટ સુધી આખો રસ્તો સિવિલ હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફ દ્વારા માનવ સાંકળ બનાવી કોઈપણ જાતની અડચણ વિના એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યુ. ત્યારબાદ સ્થાનિક પોલીસની ગાડીઓ દ્વારા એમ્બ્યુલન્સને એસ્કોર્ટ કરી સિમ્સ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી.