અમદાવાદઃ કહેવાય છે કે લગ્ન બે દિલની સાથે સાથે બે પરિવારનું પણ મિલન છે. પરંતુ અમદાવાદના રામોલ વિસ્તારમાં લગ્નનો દિવસ બે પરિવારો માટે દુશ્મનીનો દિવસ બની ગયો. હાથમાં મહેંદી મુકીને કન્યા પોતાના હમસફરની રાહ જોઈ રહી હતી. તેને આશા હતી કે તેનો સાયબો આવશે અને ડોલીમાં બેસાડીને લઈ જશે. પરંતુ કન્યાની આ આશા ઠગારી નિવડી. તેનો હમસફર બનવા આવેલો યુવક સંજય ચૌહાણ વેર રૂપી ઝેર લઈને આવ્યો. ઘટના જાણે એમ બની કે એક રૂમમાં કન્યાની ફોટોગ્રાફી ચાલતી હતી. ત્યાં અચાનક વરરાજો પોતાના મિત્રો સાથે આવી ચઢ્યો અને કન્યા સાથે અલગ અલગ સ્ટાઈલમાં ફોટો પડાવવાની માગ રાખી. જે વાત કન્યાને ન ગમતાં તેણે ના પાડી દીધી. યુવતીનો આરોપ છે કે તેના બનનાર પતિ સંજય ચૌહાણે તેની સાથે શારીરિક અડપલાં પણ કર્યાં. કન્યાએ આમ કરતાં રોકતા વરરાજાએ માંડવો માથે લીધો અને ફેરા ફરવાની જગ્યાએ મારામારી શરૂ કરી દીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતીનો આરોપ છે કે વરરાજા અને તેના મિત્રો નશો કરીને આવ્યા હતા અને આ પ્રકારની હરકતો કરી હતી. યુવતીના પરિવારે લગ્નનો ખર્ચ અને દહેજનો ખર્ચ મળીને કુલ 12થી 13 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ એક નજીવી બાબતે વરરાજાએ લગ્નની ના પાડી દેતા કન્યાએ ન્યાય મેળવવા પોલીસનો સહારો લીધો છે અને આ મામલે વરરાજા અને તેના પરિવાર સામે રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


નજીવી બાબતે વર અને કન્યા પક્ષ સામસામે આવી જતાં મારામારીમાં પાચંથી વધુ લોકોને સામાન્ય ઈજા થઈ છે. આમ સામાન્ય બાબતે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે લગ્નનો માંડવો સુનો સુનો બની ગયો. કન્યાએ હાથમાં મુકેલી મહેંદી પણ સુકાઈ ગઈ.. વરરાજાની જીદના કારણે બે પરિવાર વચ્ચે વેરના ઝેર રોપાઈ ગયા છે.