અમદાવાદ કોર્પોરેશનનો યૂ-ટર્ન, 14 સ્વિમીંગ પુલના ખાનગીકરણના નિર્ણયને કર્યો રદ્
સ્વિમીંગ પુલના ખાનગીકરણ અને ફી વધારા મુદ્દે કોંગ્રેસે આક્રમક વિરોધ કરતા ભાજપના શાસકોએ આ નિર્ણય પરથી યૂ-ટર્ન લીધો છે.
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના 14 જેટલાં સ્વિમીંગ પુલના ખાનગી કરણના નિર્ણયમાં આખરે ભાજપના શાસકોએ પીછેહઠ કરવી પડી છે. 20 ઓક્ટોબરે સ્ટેન્ડિંગ કમિટીમાં ફી વધારા અને ખાનગીકરણના નિર્ણયનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરાયો હતો. આખરે લોકોનો રોષને જોતાં AMC વહીવટીતંત્ર અને તેના શાસકોએ PPP મોડલથી ખાનગી કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવાના નિર્ણયને રદ કર્યો છે. જોકે ફી વધારાના નિર્ણયને યથાવત રાખ્યો છે.
જે ફીમાં વધારો કરવામાં આવ્યો છે તેમાં એ કેટેગરીમાં 1800ની જગ્યાએ 3600 ફી, બી કેટેગરીમાં 1000ની જગ્યાએ 2000 ફી અને સી કેટેગરીમાં 750ની જગ્યાએ 1500 રૂપિયા ફી લેવામાં આવશે. જ્યારે એપ્રિલથી જૂન મહિના માટે એ કેટેગરીમાં 1200ની જગ્યાએ 2400 રૂપિયા ફી, બી કેટેગરીમાં 600ની જગ્યાએ 1200 રૂપિયા ફી અને સી કેટેગરીમાં 450ની જગ્યાએ 900 રૂપિયા ફી લેવાશે. તો જુલાઈથી સપ્ટેમ્બર મહિના માટે એ કેટેગરીમાં 1000ની જગ્યાએ 2000 રૂપિયા ફી, બી કેટેગરીમાં 550ની જગ્યાએ 1100 રૂપિયા ફી લેવાશે. સી કેટેગરીમાં 440ની જગ્યાએ 800 રૂપિયા ફી લેવાશે.
જ્યારે શીખાઉ માટે 1 મહિનાના એ કેટેગરીમાં 400થી જગ્યાએ 800 રૂપિયા ફી, બી કેટેગરીમાં 300ની જગ્યાએ 600 રૂપિયા ફી અને સી કેટેગરીમાં 250ની જગ્યાએ 500 રૂપિયા ફી લેવામાં આવશે.
તો આ તરફ ભાજપના શાષકોએ ખાનગીકરણ રદ્દ કરવાના નિર્ણય પાછળ કોંગ્રેસે અગાઉ કરેલો વિરોધ જવાબદાર હોવાનું જણાવી વિપક્ષી નેતાએ ફી વધારાનો નિર્ણય પણ રદ્દ કરવાની માંગ યથાવત રાખી છે.