નોકરીની લાલચ આપીને ઠગાઇ કરતા નેટવર્કનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ
જો આપ બેરોજગાર છો અને અને આપને નોકરીની જરૂરીયાત છે તો, આપ નોકરીની લાલચમાં છેતરાઇ ન જતા.
ઉદય રંજન/અમદાવાદઃ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે, આ કહેવત ખુબ સાર્થક છે. રાજ્ય અને દેશમાં દિન-પ્રતિદિન અનેક પ્રકારથી છેતરપિંડીની ઘટના અવારનવાર બહાર આવી રહી છે. આવી જ એક નોકરીના નામ પર ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદના ઘાટલોડિયા ખાતે રહેતી પરણિતાને દિલ્હીથી તેમના મોબાઈલ પર ફોન આવ્યો અને મેક માય ટ્રીપ નામની સંસ્થામાં ઊંચા પગારના ધોરણ સાથે નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. નિર્દોષ અને ભોળી મહિલા આ સારા પગારની વાત સાભળીને ભોળવાઈ ગઈ અને દિલ્હીના ઠગોના જાળમાં ફસાતી ગઈ. દિલ્હીના આ ઠગો દ્વારા મહિલા પાસેથી અલગ અલગ પ્રોસીજર ફી નામ પર રૂપિયા ૧ લાખ થી વધુ ધીમે ધીમે વસુલી લેવામાં આવ્યા હતા. દિલ્હીના આ ઠગોએ પૂર્વ આયોજિત કાવતરામાં મહિલા પાસેથી તેના દસ્તાવેજો ઈમેલ મારફતે મંગાવી લીધા હતા. ત્યારબાદ મહિલાના બેંકના ક્રેડીટ કાર્ડમાંથી ઓટીપી નંબર મેળવી છેતરપીંડી આચરી હતી.
જયારે મહિલાને ખબર પડી કે, તે દિલ્હીના આ ઠગોના જાળમાં ફસીને છેતરાઈ ગઈ છે. ત્યાર પછી મહિલાએ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ નો સંપર્ક સાધ્યો હતો. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની સાયબર સેલ દ્વારા મહિલાની ફરિયાદના આધાર પર દિલ્હીના ઠગોના મોબાઈલ નંબરના સીડીઆર કાઢી નંબરોની તપાસ હાથ ધરી હતી. જ્યારે સાયબર સેલની ટીમે તપાસ કરતા નોઇડા પહોંચી ત્યારે ખ્યાલ આવ્યું કે, આ ઠગો નોઇડા અને દિલ્હી થી ઠગાઈનું દેશવ્યાપી નેટવર્ક ચલાવી રહ્યા છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની સાયબર સેલની ટીમે જ્યારે કોલ સેન્ટર પર દરોડો પાડ્યો ત્યારે આઠ જેટલા ઠગો કોલ સેન્ટરમાંથી ઝડપાઈ ગયા હતા. સાયબર સેલની તપાસમાં બહાર આવ્યું કે, દિલ્હીથી સંચાલિત કોલ સેન્ટરમાં શશી મિશ્ર, કૈલાશ્ચન્દ્ર ઠાકુર અને કુલદીપ સિંહ ત્રણ માલિક છેલ્લા એક વર્ષથી વધુ સમયથી જોબની ઓફર આપતી સાઈન ડોટ કોમ નામની કંપનીથી ગેરકાયદેસર ડેટા અને વિગતો ખરીદી લેતા હતા. ત્યારબાદ દિલ્હીના ઠગો ખુબ સિફ્તાઈથી નોકરીની જરૂરિયાતમંદ એવા ભોળા નાગરિકોને મોટી કંપનીમાં સારા પગારથી નોકરી આપવાની ઓફર આપતા હતા. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે આ ઠગો પાસેથી ૨૧ મોબાઈલ, ૭ લેપટોપ, ૨૨ ક્રેડીટ અને ડેબીટ કાર્ડ, ચેક બુક, આધાર કાર્ડ, પાનકાર્ડ, ડાયરી અને અન્ય દસ્તાવેજો કબજે કરીને કુલ રૂપિયા દોઢ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. હાલ આ ચારેય આરોપીઓ પોલીસ રિમાન્ડ પણ છે અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચને આશા છે કે, દિલ્હીના ઠગોથી અન્ય કડીઓ મેળવીને વધુ ગુન્હાઓનો પણ પર્દાફાશ થઇ શકે છે. સાથે જ આ કિસ્સો સમાજ અને નોકરીની લાલચમાં છેતરાઈ જતા નાગરિકો માટે ચેતવણીરૂપ પણ છે.