• સીબીઆઇ અધિકારી બની ટેલિકોમ કંપનીમાં કોલ ડિટેઇલ્સ મેળવવા ગયેલા નકલી અધિકારીઓને પોલીસે પકડાયા

  • બંનેના આઈ કાર્ડ અને વાતચીત કરવાની રીતમાં નોડેલ ઓફિસરને શંકા ઉપજી હતી


મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે સરકારી અધિકારીની ખોટી ઓળખ આપનારા બે શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલ બંને શખ્સોની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે, ગાંધીનગર ડીજી ઓફિસમાં સીબીઆઈમાં કામ કરતા હોવાની ખોટી ઓળખ આપીને ખાનગી ટેલિકોમ કંપનીમાંથી કોલ ડિટેઇલ મેળવવા ગયા હતા. પરંતુ ટેલિકોમ કંપનીના નોડલ ઓફિસરને શંકા જતા આ અંગેની પોલીસને જાણ કરી હતી અને પોલીસે બંને વ્યક્તિઓને ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વસ્ત્રાપુર પોલીસે કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયા નામના બે શખ્સની ધરપકડ કરી છે. આ બંને આરોપીને વસ્ત્રાપુર પોલીસે સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપવાના ગુનામાં ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સો ખાનગી ખાનગી ટેલિકોમ કંપનીમાં કોલ ડિટેઇલ્સ માંગવા માટે ગયા હતા. નોડલ ઓફિસરને જઈને પોતે ડીજી ઓફિસ ગાંધીનગરથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં એક સંવેદનશીલ તપાસના બહાને કોલ ડિટેઇલ્સની જરૂરિયાત હોવાનું કહ્યુ હતું. તેમજ પોતે સીબીઆઇ ઓફિસર હોવાની ખોટી ઓળખ પણ આપી. 



આ શખ્સોએ ઉપરી અધિકારીએ આ ડિટેઇલ્સ માંગવા માટે મોકલ્યા હોવાનું કહી મનીષ નામના શખ્સ સાથે વાત પણ કરાવી હતી. જોકે બંનેના આઈ કાર્ડ અને વાતચીત કરવાની રીતમાં નોડેલ ઓફિસરને શંકા ઉપજી હતી. જેથી નોડલ ઓફિસરે બંને વ્યક્તિઓ બેસાડી રાખ્યા હતા અને પોલીસને જાણ કરી. પોલીસે નોડલ ઓફિસર ફરિયાદના આધારે આરોપી કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયાની તાત્કાલિક અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી. 


પ્રાથમિક પૂછપરછ દરમિયાન કેટલીક હકીકત સામે આવી કે આ બંને આરોપીઓ નાની અમથી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ કોલ ડિટેઇલ્સ માંગવા પાછળ તેમનો ઇરાદો શું હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસે આ બંને આરોપીઓ પાસેથી બનાવટી પોલીસના લોગોવાળું આઈ કાર્ડ અને પત્રકાર તરીકેની ઓળખ આપતું આઈકાર્ડ કબ્જે કર્યું છે. જેને પગલે આ બંને વ્યક્તિઓની ઉપર વધુ શંકા ઉપજી રહી છે કે કોલ ડિટેઇલ્સ મેળવવા માટે ટેલિકોમ કંપનીમાં ગયેલા આ બંને ફરજી અધિકારી બનેલા આરોપીઓનો હેતુ શું હતો? પરંતુ તપાસના અંતે જ ખ્યાલ આવશે કે આ ગઠિયાઓ શા માટે પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અને બનાવટી આઈ કાર્ડ બનાવ્યા હતા.