કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે તંત્ર હરકતમાં: DRDO ની ધન્વંતરિ હોસ્પિટલ ફરી સ્ટેન્ડ બાય કરવામાં આવી
ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન સેન્ટર ખાતે બીજી લહેર વખતે ઉભી કરાયેલી ધન્વંતરિ હોસ્પિટલ ફરી ઉભી કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બીજી લહેર સમયે એપ્રિલ મહિનાના અંતમાં DRDO ના સહયોગથી શરૂ કરાયેલી હોસ્પિટલમાં 950 જેટલા બેડની સુવિધા છે.
અતુલ તિવારી/અમદાવાદ: શહેરમાં કોરોના કેસમાં કૂદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. એવું કહી શકાય કે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. ત્યારે અમદાવાદ ખાતે રાજ્ય સરકાર, DRDO તેમજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. બીજી લહેર વખતે હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ હતી, તેવી સ્થિતિ ફરીથી નિર્માણ ન થાય તેના માટે અત્યારથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન સેન્ટર ખાતે બીજી લહેર વખતે ઉભી કરાયેલી ધન્વંતરિ હોસ્પિટલ ફરી ઉભી કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બીજી લહેર સમયે એપ્રિલ મહિનાના અંતમાં DRDO ના સહયોગથી શરૂ કરાયેલી હોસ્પિટલમાં 950 જેટલા બેડની સુવિધા છે. 950 બેડમાંથી હાલ 125 બેડ તૈયાર કરવા માટે કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે.
ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ હાલ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના હસ્તક છે. ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં જરૂર પડે તો 125 બેડ પ્રારંભિક ધોરણે શરૂ કરાશે. સોલા સિવિલ હોસ્પિટલ તરફથી 125 બેડ માટે જરૂરી સ્ટાફની માગણી રાજ્ય સરકાર પાસે કરવામાં આવી છે. રાજ્યભરમાં વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં દર્દીઓનું હોસ્પિટલાઈઝેશન વધે તો સમસ્યા ના થાય એ હેતુથી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ ફરી ઉભી કરવા તજવીજ તેજ કરાઈ છે.
ધન્વંતરિ હોસ્પિટલ બીજી લહેર બાદ કેસો ઘટ્યા ત્યારે બંધ કરાઈ હતી. હાલ હોસ્પિટલમાં સાફ - સફાઈ કરવા સહિત બેડ તેમજ અન્ય ઉપકરણો ગોઠવવાનું કામકાજ શરૂ થયું છે. જરૂર પડે અને સરકાર આદેશ આપે એટલે તાત્કાલિક ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ શરૂ કરી દર્દીઓને સારવાર અપાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube