ખાનગી શાળાઓ દાદાગીરી પર ઉતરી, 10 ઓક્ટોબર સુધી ફી ભરો નહિ તો 25%ની રાહત નહિ મળે
ઉઘરાણી સંદર્ભે નિકોલમાં આવેલી ડીવાઇન ઈન્ટરનેશનલ સ્કૂલનો વિવાદાસ્પદ પત્ર સામે આવ્યો.
ફરી એકવાર સરકાર સાથે વાતચીત કરવાનું ટાળી, ફીમાં રાહત મામલે સરકારે કરેલા હુકમની અવગણના ખાનગી શાળાઓ દ્વારા શરૂ કરાઇ
અતુલ તિવારી/અમદાવાદ :ચાલુ શૈક્ષણિક વર્ષે રાજ્ય સરકારે ફી મામલે વાલીઓને 25 ટકા ફી ઘટાડાની રાહત આપી છે. ત્યારે સરકારે 25 ટકાની ફીમાં રાહત આપતા 75 ટકા ફી ઉઘરાવવા માટે ખાનગી શાળાઓને જાણે લાયસન્સ મળ્યું હોય એ રીતે ફીની ઉઘરાણી ખાનગી શાળાઓએ શરૂ કરી છે. ફી ઉઘરાણી સંદર્ભે નિકોલમાં આવેલી ડીવાઇન ઈન્ટરનેશનલ સ્કૂલનો વિવાદાસ્પદ પત્ર સામે આવ્યો છે. ડિવાઇન ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાલીઓને 10 ઓક્ટોબર સુધીમાં ફી જમા કરી દેવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાત્રે સૂસવાટાભર્યા પવનથી થઈ ઠંડીની શરૂઆત, આ વર્ષે લાંબો ચાલશે શિયાળો
ફી ભરવો હોય તો 10 ઓક્ટોબર સુધી ભરો
રાજ્ય સરકારે આપેલી ફીમાં 25 ટકા રાહતનો લાભ લેવો હોય તો 10 ઓક્ટોબર સુધી ફી ભરવા માટે સ્કૂલ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. 25 ટકા ફીમાં રાહતનો લાભ લેવા માટે ફરજિયાત ફી 10 ઓક્ટોબર પહેલા ભરી દેવાનું કેટલીક શાળાઓ દ્વારા પત્રના માધ્યમથી વાલીઓ પર દબાણ ઉભું કરાયું છે. તેમજ જો વાલીઓ 10 ઓક્ટોબર સુધી બાકીની ફી ના ભરે તો 25 ટકા લાભથી વંચિત રહેશે તેવા સંકેત કેટલીક ખાનગી શાળાઓએ વાલીઓને આપ્યા છે.
આ પણ વાંચો : આજે UPSC ની પરીક્ષા, નવા નિયમ સાથે પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા વિદ્યાર્થીઓ
શાળાઓએ વાલીઓને મુસીબતમાં મૂક્યા
અગાઉ ખાનગી શાળા સંચાલક એસોસિએશન દ્વારા ઓક્ટોબર મહિનામાં ફી ભરી દેવાનું વાલીઓને કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે કેટલીક શાળાઓ 25 ટકા લાભ જોઈતો હોય તો વાલીઓ 10 ઓક્ટોબર સુધીમાં ફી ભરે તેવા પરિપત્ર કરાયા છે. ફરી એકવાર સરકાર સાથે વાતચીત કરવાનું ટાળી, ફીમાં રાહત મામલે સરકારે કરેલા હુકમની અવગણના ખાનગી શાળાઓ દ્વારા શરૂ કરાઇ છે. 10 ઓક્ટોબરને માત્ર હવે 6 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ખાનગી શાળાઓએ વાલીઓને ફરી એકવાર મુસીબતમાં મૂક્યા છે. સરકારે વાલીઓને 75 ટકા ફી ભરવા અને 25 ટકા ફીમાં રાહત આપી છે એવામાં શાળાઓ હવે 75 ટકા ફી વસુલી કરવા તત્પર બની છે.