અમદાવાદની પેટાચૂંટણીમાં ખિલ્યું કમળઃ ચાંદખેડા અને ઈસનપુર વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારો જીત્યા
અમદાવાદના ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. બંને વોર્ડમાં ભાજપના કોર્પોરેટરોની જીત થઈ છે. ચાંદખેડામાં 20.32 ટકા અને ઈસનપુરમાં 23.60 ટકા મતદાન થયું હતું
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભાજપ હાઈકમાંડે આગામી વર્ષે ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને મોટા ફેરફાર કર્યા હતા. દેશની રાજનીતિના ઈતિહાસમાં પહેલીવાર ભાજપે ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત આખી સરકારના બધા જ ચહેરા બદલીને નો રીપીટ થિયરી અપનાવી હતી. ત્યાર બાદ પાટીલે નવા નિમાયેલાં પાટીદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મળીને જોડી જમાવી છે. આ જોડીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાંની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત હાંસલ કરીને કમાલ કરી બતાવી છે.
અમદાવાદના ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. બંને વોર્ડમાં ભાજપના કોર્પોરેટરોની જીત થઈ છે. જેમાં ઈસનપુર વોર્ડમાં ભાજપના મૌલિક પટેલ તથા ચાંદખેડા વોર્ડમાં ભાજપના રીટાબેન પટેલની જીત થઈ છે. નોંધનીય છે કે, એક કોર્પોરેટરે રાજીનામું આપતા અને એક કોર્પોરેટરનું અવસાન થતાં આ બંને સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી.
બંને વોર્ડમાં સરેરાશ 22 ટકા મતદાન થયું હતું:
રવિવારે થયેલા મતદાનમાં ચૂંટણી પંચ મુજબ આ બંને વોર્ડની ચૂંટણીમાં સરેરાશ 22 ટકા મતદાન થયું હતું. જેમાં ઈસનપુર વોર્ડમાં 23.60 ટકા જ્યારે ચાંદખેડા વોર્ડમાં 20.32 ટકા મતદાન નોંધાયું હતું. આ બંને વોર્ડની સીટો પર ઈસનપુરમાં 3 અને ચાંદખેડામાં 4 ઉમેદવાર મેદાનમાં હતા.
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હતી જંગ:
ચાંદખેડા વોર્ડમાં ભાજપમાંથી રીના પટેલ જ્યારે કોંગ્રેસમાંથી દિવ્યા રોહિત વચ્ચે મુખ્ય જંગ હતી. તેમજ ઇસનપુર વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટીકીટ મળી હતી. જ્યારે કોંગ્રેસે ભાવેશ દેસાઈને મેદાનમાં ઉતાર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube