ખોખરામાં મોડી સાંજે મોલમાં આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ
જોકે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું પરંતુ પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.
મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલા રાધે મોલમાં મોડી સાંજે એકા એક આગની ઘટના બની હતી. જેને લઇ મોલના વેપારીમાં અફરાતફરી મચી જવા પામી હતી. એક સાથે ૪ થી 5 દુકાનો આ આગની ઝપેટમાં આવી જતા લાખો રૂપિયાનો માલ સામાન આગમાં સ્વાહા થઈ ગયો હતો. જોકે ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડેની ટીમે આગ પર કાબૂ મેળવવા ૯ જેટલા ફાયર ટેન્કર મંગાવી ગણતરીના કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો.
જોકે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું પરંતુ પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. રાધે મોલમાં જે જગ્યા પર આગ લાગી હતી તે મોલનો ત્રીજો માળ હતો જેમાં ટ્યુશન કલાસીસ પણ ચાલે છે. સદનસીબે આ ટ્યુશન કલાસીસ થોડા સમય અગાઉ જ બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આગની ઘટના બનવા પામી હતી. ઘટનાને પગલે તમામ વસ્તુ આગમાં હોમાઈ ગઇ હતી જોકે કોઈને જાનહાનિ પહોંચી ન હતી. ફાયર બ્રિગેડની ટીમના અધિકારીઓનું માનવું છે કે મોલમાં જે ફાયર સીસ્ટમ હોવી જોઈએ તે જોવા મળી ન હતી.