મજા સજા બની ગઈ! ગોતાનો પરિવાર રીક્ષામાંથી ઉતર્યો અને બાળક ભૂલી ગયો, દોઢ કલાકે પોલીસને મળ્યું
ઘણીવાર પરિવારની બેદરકારી કેટલી ભારે પડે તેનો જીવતું જાગતું ઉદાહરણ પુરું પાડતો કિસ્સો અમદાવાદના ગોતા વિસ્તારનાં બન્યો છે. ગોતાની જાણીતી પ્રાર્થના પર્લ નામની સોસાયટીમાં પરિવાર સાથે બાળકો હતા. જેમાં એક નાના બાળકે સૂવાની જીદ કરતાં પરિવારે બાળકને રીક્ષામાં સીટની પાછળ આવેલી સીટમાં સૂવડાવી દીધો હતો. જ્યારે રીક્ષા ચાલક પરિવારને ઉતારીને પૈસા લઈને જતો રહ્યો તેના પછી બાળક યાદ આવતા પરિવારમાં હોબાળો મચી ગયો હતો.
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના ગોતામાં વ્યાપ્તી સર્કલ પાસે આવેલી પ્રાર્થના પર્લ નામની સોસાયટી બહાર ગઈરાતે પોણા નવ વાગ્યાની આસપાસ લોકોનું ટોળું ભેગું થયું, બુમાબુમ અને રોકકળ વચ્ચે સાયરન વગાડતી પોલીસની જીપ પહોંચી, તમામને એ સંતાપ થયો કે સોસાયટીમાં શું થયું, એક બાદ એક બીજી પોલીસની જીપ આવી તો ચિંતાઓ વધી અને લોકો વધ્યા આખરે જે ઘટના બહાર આવી તમે પણ સાંભળશો તો ચોંકી જશો. એક આખો હિન્દી ભાષી પરિવાર ફરવા માટે સાંજે વસ્ત્રાપુર તરફ ગયો હતો. બાળકો અને મોટાઓ સાથે ફરીને પરિવારે રાતના સવા આઠથી સાડા આઠની વચ્ચે રિટર્ન થવા માટે રીક્ષાઓ કરી...
એક મીનિટમાં જ બુમરાણ મચી, લોકો રિક્ષા શોધવા દોડવા!
પરિવાર સાથે બાળકો પણ હતા. જે બિલકુલ ટાબરિયા હતા. એમાંથી એક બાળકે સૂવાની જીદ કરતાં પરિવારે 5થી 6 વર્ષના એક બાળકને રીક્ષામાં સીટની પાછળ આવેલી સીટમાં સૂવડાવી દીધો. વસ્ત્રાપુરથી નીકળ્યાના 20થી 25 મીનિટ બાદ પરિવાર આખો ગોતામાં આવેલી પ્રાર્થના પર્લ નામની સોસાયટીની બહાર હતો અને બધા ઉતર્યા, સૂઈ ગયેલા બાળકોને પણ તેડી લીધા પણ એ ભૂલી ગયા કે એક બાળક રીક્ષાની સીટની પાછળ પણ ઉંઘી ગયું હતું. તમામને એમ કે બધા બાળકો આવી ગયા છે. એટલામાં રીક્ષા ચાલક પૈસા લઈને જતો રહ્યો હવે રીક્ષા ગયાના એક મીનિટમાં જ બુમરાણ મચી, લોકો રિક્ષા શોધવા દોડવા લાગ્યા, ત્યાં ઉભેલા દરેકને એમ કે રિક્ષામાં કદાચ પરિવારનો સામાન રહી ગયો હશે પણ આ તો એક બાળક રહી ગયું હતું. હવે લોકો ભેગા થઈ ગયા. પરિવારજનોએ રીક્ષા શોધવા દોડાદોડ કરી પણ રીક્ષા ચાલક જતો રહ્યો...
બાળકને ભૂલી જવાની ભૂલનો પસ્તાવો આખા પરિવારને થયો!
હવે રીક્ષા ચાલકને શોધવો કઈ રીતે, પોલીસ બોલાવાઈ અને પોલીસે સોસાયટીના કેમેરા સર્ચ કરવાનું શરૂ કર્યું, સોલા પોલીસ એક્ટિવ થઈ ગઈ, ગ્રૂપમાં મેસેજો શરૂ થઈ ગયા, કંટ્રોલમાં જાણ કરવામાં આવી એટલે ફટાફટ નાના બાળકને શોધવાનું અભિયાન શરૂ થયું, દરેકના મનમાં એ જ ડર હતો કે બાળક એ ઉંઘી ગયેલું છે અને જો રીક્ષા ચાલક રીક્ષા જાહેરમાં મૂકીને ઘરે જતો રહ્યો તો બાળકને શોધવું મુશ્કેલ બનશે. બીજી તરફ પરિવાર જનોના મનમાં પણ ગભરાટ હતો. બાળકને ભૂલી જવાની ભૂલનો પસ્તાવો દરેકના ચહેરા પર હતો પણ હવે કરવું શું? પોલીસ પણ એલર્ટ બની ગઈ હતી. રીક્ષાના નંબરને આધારે શોધવાની કોશિશ શરૂ કરી પણ સોસાયટીના કેમેરામાં રીક્ષા તો દેખાતી હતી પણ નંબર ક્લિયર નહોતો... એટલે પોલીસે હવે બીજા કેમેરા સર્ચ કરવાનું શરૂ કર્યું.. આ તમામ ભાંજગડમાં દોઢ કલાકનો સમય વીતી ગયો હતો. પોલીસ પર પણ પ્રેશર વધ્યું હતું અને બાળકનો પરિવાર પણ હતપ્રભ બની ગયો હતો.
બાળક મળી ગયું હોવાનો મેસેજ આવતાં પરિવારને હાશકારો
આ તમામ વચ્ચે એક સારા સમાચાર એ આવ્યા કે રીક્ષા ચાલક દોઢ કલાક બાદ બાળકને હેમખેમ વાડજ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. રીક્ષા ચાલક એ નહોતો જાણતો કે બાળક ક્યાંથી રીક્ષામાં આવી ગયું પણ બાળકને જોતાં જ તેને સૌથી પહેલાં પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું... પોલીસની વાનમાં બાળક મળી ગયું હોવાનો મેસેજ આવતાં હાજર તમામ લોકોએ હાશકારો લીધો... આ તો એક ઘટના છે પણ તમે વિચારો કે 31 ડિસેમ્બરની આગળની રાતે જ ફરવા નીકળેલા આ પરિવારને બાળક ન મળ્યું હોત કે 4થી 5 કલાકે મળ્યું હોત તો શી દશા થાત... આ ઘટનામાં સોલા પોલીસની સક્રિયતા પણ કાબિલેદાદ હતી.
પ્રતિદિન સરેરાશ 160 બાળકો થાય છે ગુમ
આ એક સબક હતો કે તમે ફરવા જાઓ છો તો નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો... આ બાળક દોઢ કલાકે મળ્યું ત્યાં સુધી પરિવારના જીવ પડિકે બંધાઈ ગયા હતા. દેશભરમાં બાળકો ગુમ થવાનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં દેશભરમાંથી 58,546 બાળકો ગુમ થયાં છે. જેમાં ગુજરાતમાં જુલાઈ 2022 થી જૂન 2023 સુધીના એક વર્ષના ગાળામાં કુલ 3675 બાળકો ગુમ થવાની ફરિયાદો નોંધાય છે. એટલે કે દેશભરમાં પ્રતિદિન સરેરાશ 160 બાળકો ગુમ થાય છે, જેમાંથી 10 બાળકો ગુજરાત રાજ્યના હોય છે.
મહામારી પછી દેશભરમાં બાળ તસ્કરીનું પ્રમાણ વધ્યું
દેશભરમાં ગુમ બાળકોની કુલ સંખ્યા વધીને હવે ૧,૦૮,૨૩૪એ પહોંચી ગઇ છે. વર્ષ ૨૦૦૮થી ૨૦૨૦ દરમિયાન જે પણ ગુમ બાળકોની સંખ્યા છે તેમાં આ સમયગાળા દરમિયાન ૧૩ ગણો વધારો થયો છે. જેમ કે વર્ષ ૨૦૦૮માં ગુમ બાળકોની સંખ્યા ૭૬૫૦ હતી જે હવે એક લાખ સુધી પહોંચી ગઇ છે. કૈલાસ સત્યાર્થીની બાળકો માટે કામ કરતી સંસ્થાએ દેશભરમાંથી ૧૨૦૦૦ બાળકોને રેસ્ક્યૂ કર્યા હતા. આ આંકડા જણાવે છે કે કોરોના મહામારી પછી દેશભરમાં બાળ તસ્કરીનું પ્રમાણ વધ્યું છે.