હવે ગુજરાતની મહિલાઓને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટે બહાર જવાની જરૂર નથી, ઘરઆંગણે આવી સુવિધા
Ahmedabad News : અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) એ દેશમાં યુટેરસ ટ્રાન્સપ્લાન્ટ માટે પરવાનગી મળી હોય એવી પ્રથમ સરકારી હોસ્પિટલ બની
અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતના દર્દીઓને હવે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટે બહાર જવાની જરૂર નથી. કારણ કે, અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટે મંજૂરી મળી ગઈ છે. ગર્ભધારણ કરવાથી વંચિત રહેતી મહિલાઓ માટે આ સમાચાર રાહતના ગણાવી શકાય. અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) એ દેશમાં યુટેરસ ટ્રાન્સપ્લાન્ટ માટે પરવાનગી મળી હોય એવી પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે.
ગર્ભધારણ કરવાથી વંચિત મહિલાઓ, ગર્ભાશય વિના જન્મતિ મહિલાઓ (રોકિતેન્સ્કી સિન્દ્રોમ), ગર્ભ સમયે બ્લિડિંગ વધુ થાય અથવા ઓપરેશન દરમિયાન ગર્ભાશય બચાવી નાં શકાયું હોય એવી મહિલાઓ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવી ગર્ભ ધારણ કરી શકશે. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવવા ઈચ્છુક મહિલા તેની માતા, માસી, મોટી બહેન તેમજ કેડેવરનાં માધ્યમથી ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકશે.
આ પણ વાંચો : હવે આવી રીતે અમેરિકા જઈશું... ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા 7 ગુજરાતી પકડાયા
આ વિશે IKDRC નાં ડાયરેક્ટર ડોક્ટર વિનીત મિશ્રાએ જણાવ્યું કે સેરોગસીનાં નિયમોમાં કડકાઈ હોવાથી ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ સરલતાથી થઈ શકશે. કોઈપણ ઉંમરની મહિલા ગર્ભાશયનું દાન કરી શકે છે. અમદાવાદની કિડની હોસ્પિટલમાં લીવર, કિડની અને પેંક્રિયાઝનું ટ્રાન્સપ્લાન્ટ અત્યાર સુધી કરવામાં આવતું રહ્યું છે. કિડની ઇન્સ્ટિટ્યુટમાં અત્યાર સુધીમાં 587 લીવર, 7 હજાર કિડની, 15 સ્વાદુપિંડ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. સ્ટેટ ઓથોરાઈઝેશન કમિટી, ટ્રાન્સપ્લાન્ટ ઓફ હ્યુમન ઓર્ગન તરફથી પરવાનગી આપવામાં આવી છે.
પ્રાથમિક ધોરણે કિડની હોસ્પિટલના ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટે એક વર્ષની પરવાનગી અપાઈ છે. પરંતુ આ માટે કેટલીક પ્રોસિજર ફોલો કરવાની હોય છે. જેમ કે, કિડની હોસ્પિટલ દ્વારા ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટે કરવામાં આવનાર તમામ પ્રક્રિયાનો રેકોર્ડ રાખવાનો રહેશે. પરવાનગીનાં એક વર્ષ પૂર્ણ થવાનાં 3 મહિના પહેલા સર્ટીફીકેટ રીન્યુ કરવા માટે પરવાનગી મેળવવાની રહેશે.
આ પણ વાંચો : રાજકોટ પોલીસની બહાદુરી, અડધી રાતે બંગલામાં ત્રાટકેલા ધાડપાડુઓને ચેલેન્જ ફેંકીને પકડી પાડ્યા
અત્યાર સુધીમાં ભારતમાં માત્ર પુણેની એક ખાનગી હોસ્પિટલમાં ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ થાય છે, જ્યાં માત્ર 6 લાભાર્થીએ ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. પુણેની હોસ્પિટલમાં અંદાજે 10 થી 15 લાખ રૂપિયાના ખર્ચે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ થતું રહ્યું છે, જે હવે અમદાવાદની કિડની હોસ્પિટલમાં નજીવા ખર્ચે થઈ શકશે.
દેશમાં પુણે બાદ અમદાવાદની કિડની હોસ્પિટલને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની પરવાનગી મળી છે. ત્યારે પુણેના ડોક્ટર શૈલેષનાં નેતૃત્વમાં ટૂંક સમયમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ થશે. ગર્ભાશયની તકલીફના કારણે માતા બનવાનું સુખ પ્રાપ્ત ન કરી શકતી બહેનો માટે ગર્ભાશયનું પ્રત્યારોપણ વરદાનરૂપ સાબિત થશે. ગુજરાત સરકારની અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે કાર્યરત SOTTO દ્વારા ટ્રાન્સપ્લાન્ટની કામગીરીનું મોનીટરીંગ કરાશે.