લવમેરેજનો કરૂણ અંજામ! પરિણીતાને વારંવાર મહંત પાસે જવું ભારે પડ્યું! અનૈતિક સંબંધોની ગંધ આવતા પતિએ પતાવી દીધી
આરોપી હત્યારા પતિ અજયને પત્ની રિયાને કોઈની સાથે અનૈતિક સંબંધ હોવાનો અંદેશો આવી ગયો હતો, અને તેણે હત્યાના 5 દિવસ અગાઉ પોતાના બે બાળકો સાથે હત્યા કર્યા બાદ મૂળ વતન જવાનો પ્લાન તૈયાર કરી લીધો હતો. ટ્રેનની ટિકિટ પણ બુક કરાવી રાખી હતી.
ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના ગુનાઓ વધતા જઈ રહ્યા છે. ત્યારે નારોલ પોલીસ સ્ટેશનની હદમાં પતિએ ચારિત્ર્ય પર શંકા રાખીને પત્નીની હત્યા કરી નાંખી. માત્ર 9 વર્ષના લગ્નગાળા અને લવ મેરેજ છતાંય પત્નીના અનૈતિક સંબંધોની ગંધ આવતા 5 દિવસ અગાઉ હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, આકૃતિ ટાઉનશીપના એચ બ્લોકમાં 24 ડિસેમ્બરની મોડી રાત્રે જ અજય ભારદ્વાજે પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને પોતાના 2 બાળકો પાસે યુપી સ્થિત પોતાના મુળ વતન જવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ પોલીસની સતર્કતાને કારણે આરોપીએ પત્ની રિંકુ ઉર્ફે રિયા ભારદ્વાજની હત્યા કરીને ભાગી છૂટવાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો.
પોલીસે ઝડપેલ આરોપી પતિને પોતાના કરતૂતની જરાય રંજ હોય એવું લાગતું નથી. 9 વર્ષનો લગ્નગાળો અને એમાંય પ્રેમલગ્ન કરીને અજય અને રિંકુ ઉર્ફે રિયા બંને અમદાવાદ ભાગી આવ્યા હતા. રિંકુ ઉર્ફે રિયા હત્યારા અજયની ફોઈની જ દીકરી હતી. લગ્ન બાદ અમદાવાદ આવ્યા પછી થોડા સમય બાદ પત્નીને કોઈ પેટ સંબંધી બીમારી હોવાથી તે પીપળજના કોઈ મહંત પાસેથી ઈલાજ કરાવતી હતી એવી માહિતી પોલીસ તપાસમાં બહાર આવી છે.
આરોપી હત્યારા પતિ અજયને પત્ની રિયાને કોઈની સાથે અનૈતિક સંબંધ હોવાનો અંદેશો આવી ગયો હતો, અને તેણે હત્યાના 5 દિવસ અગાઉ પોતાના બે બાળકો સાથે હત્યા કર્યા બાદ મૂળ વતન જવાનો પ્લાન તૈયાર કરી લીધો હતો. ટ્રેનની ટિકિટ પણ બુક કરાવી રાખી હતી. 24 મી ડિસેમ્બરના રોજ રાત્રે 1.30 વાગ્યે પત્ની રિંકુ ઉર્ફે રિયાની ઊંઘમાં જ ગળું દબાવીને હત્યા કરી નાખી તેમજ પ્લાન મુજબ બાળકોને લઈને ટ્રેન મારફતે યુપી જવા રવાના થઈ ગયો હતો.
પોલીસ તપાસમાં ખૂલેલી માહિતી મુજબ મૃતક પત્ની રિંકુ ઉર્ફે રિયા લગ્ન બાદ થયેલા 2 બાળકોને પણ સાચવતી નહોતી અને પતિ જ રાત્રે ઘરે આવીને પણ પોતાના અને બાળકો માટે જમવાનું બનાવતો હતો. વારંવારના આ ત્રાસથી કંટાળીને આખરે પત્નીની હત્યા કરીને નાસી છૂટવાનો પ્લાન આરોપી અજય ભારદ્વાજે બનાવ્યો હતો. હવે નારોલ પોલીસ કેસમાં અનૈતિક સંબંધોને આધારે કરાયેલી હત્યા મામલે પુરાવાઓ એકત્રિત કરી રહી છે.