મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાંથી SOG ક્રાઈમ બ્રાન્ચે 23 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ આમ તો લબરમુછીયાઓ છે પણ, પોતાના મોજ શોખ પૂરા કરવા અને ગાંજાના બંધાણી હોવાથી સુરતથી આ ગાંજો વેચવા લાવતા હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં SOG ની ટીમે સુરતના અશ્વિન વિસ્તારમાંથી લવાતો આ ગાંજો છેલ્લા કેટલા સમયથી આવતો? અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે અંગે તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અગાઉ આરોપી કોઈ પણ ગુનાઓમાં સંડોવાયેલા નથી  પરંતુ પહેલી વખત જ પોલીસના હાથે લાગેલા આરોપી મહેબૂબ હુસેન અન્સારી અને આસિફ અબ્બાસી સુરતથી ગાંજાનો જથ્થો લાવતા હોવાનું માહિતી આધારે સીટીએમ વિસ્તારમાંથી બંનેને ઝડપી પાડ્યા. બંનેની પ્રાથમિક તપાસ કરતા 23 કિલો જેટલો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો. પકડાયેલ ગાંજાની બજાર કિંમત અંદાજિત 2 લાખ 30 હજારની આસપાસ થાય છે. મહત્વનું છે કે પકડાયેલ આરોપી મહેબૂબ હુસેનના પાંચ દિવસ પછી લગ્ન હતા અને તે પહેલા જ પોલીસ ગિરફતમાં આવ્યો છે. 


પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપી મહેબુબ હુસેન અન્સારી વ્યવસાય ઇસ્ત્રી કામ જાણતો હતો, જ્યારે આસિફ અબાસી એક ગેરેજમાં કામ કરતો હતો. પરંતુ પોતાના મોજશોખ પૂરા કરવા અને શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ગાંજો વેચવા લાગ્યા હતા. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં તેઓ છૂટકથી છેલ્લા છ માસમાં સંખ્યાબંધ વખત ગાંજો લાવીને વેચી ચૂક્યા હતા અને સુરતથી લાવતા આ ગાંજાના એક સમયના જથ્થામાં 20 હજાર રૂપિયા મળતા હોવાનું પણ પોલીસ તપાસમાં કબુલ્યું છે. 


પરંતુ આ વખતે SOGની ટીમને ચોક્કસ માહિતી મળતા પોલીસે સીટીએમ નજીક બ્રિજ પાસેથી જ બંનેને ઝડપી પાડ્યા. આ બંને લબરમુછીયો અગાઉ કોઈપણ ગુનામાં સંડોવાયેલા ન હોવાનું પોલીસનું કહેવું છે. પરંતુ નાર્કોટિક્સના વ્યવસાય સાથે છેલ્લા છ એક માસથી સુરતથી રાજા નામના શખ્સ પાસેથી જથ્થાબંધ ગાંજો લાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવી છે.


હાલ તો પોલીસે પકડેલા આ બંને આરોપીઓ માત્ર મોજશોખ માટે ગાંજો વેચતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગેંગ નો લીડર કોણ છે તે તપાસ પોલીસે શરૂ કરી છે. એટલું જ નહીં સુરતના અશ્વિની વિસ્તારમાં રહેતો રાજા નામનો શખ્સ આ બંનેને ગાંજો આપતો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.