SPG ની સરકારને ચીમકી; `ગુજરાતમાં અમારી 65 બેઠકો માત્ર પાટીદારની, તેમાં પણ 35 સીટ તો SPGની છે`
આંદોલન સમયે પાટીદારો પર જે કેસ કરવામાં આવ્યા હોય તે હટાવવા અને આંદોલન સમયે જે 14 યુવાઓ મોતને ભેટ્યા તેમના પરિવારને મદદ કરવાની માંગણી હોય, ભાજપના ત્રણ મુખ્યમંત્રી બદલાયા છતાં નિર્ણય આવ્યો નથી.
સપના શર્મા/અમદાવાદ: આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે હાલમાં ચાલી રહેલા આંદોલનો વચ્ચે પાટીદાર સમાજે પણ વિરોધના સુર ફૂંક્યા છે. પાટીદાર અનામત આંદોલનના પડતર પ્રશ્નો તેમજ સાત વર્ષથી બાકી તેમની માંગણીઓને લઇ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે તેવી જાહેરાત કરી છે. SPG ના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે જણાવ્યું કે પાટીદાર અનામત આંદોલનના બે પ્રશ્નો બાકી હોવાથી આજે કારોબારી મિટિંગ રાખી છે.
આંદોલન સમયે પાટીદારો પર જે કેસ કરવામાં આવ્યા હોય તે હટાવવા અને આંદોલન સમયે જે 14 યુવાઓ મોતને ભેટ્યા તેમના પરિવારને મદદ કરવાની માંગણી હોય, ભાજપના ત્રણ મુખ્યમંત્રી બદલાયા છતાં નિર્ણય આવ્યો નથી. હાલ ગુજરાતમાં આંદોલનનો માહોલ છે. 2015-19 સુધી આંદોલન દરમિયાન જે કેસ થયા તેને દૂર કરવા વારંવાર મિટિંગ થઇ પણ તેનો પણ નિવેડો ન આવ્યો. આંદોલન પણ માત્ર ત્યારે જ થાય ત્યારે સરકાર વચનો આપે અને વચનો પરથી ફરી જાય. સરકાર એવું ઈચ્છે છે કે આંદોલન ફરી થાય અને જો એવું ઇચ્છતી હોય તો અમે પણ તૈયાર છીએ.
SPG દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારી ગામ સુધી 1000 ટીમ તૈયાર છે. અમે સરકારના મળતિયાને કહેવા માંગીયે છીએ કે આ SPG નો મુદ્દો નહી પણ પાટીદાર યુવાનોનો મુદ્દો છે.
SPG ની સરકારને ચીમકી
આગામી વિધાનસભા ચૂંટણીને લઇ SPGએ રાજ્ય સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમારી 65 બેઠકો માત્ર પાટીદારની છે. તેમાં પણ 35 સીટ તો SPG ની છે. જો માત્ર એક અવાજથી ગામે ગામ લોકો ભેગા થઇ જતા હોય તો તમે સમજી લેજો. રાજ્યમાં હાલ આંદોલન કરનારા લોકોને SPG તરફથી જાહેર સૂચન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી સરકારી મંત્રી તમને લૈખિતમાં બાંહેધરી ન આપે ત્યાં સુધી આંદોલન સમેટતા નહી. ગુજરાતમાં અન્ય પાટીદાર સમાજના પણ આંદોલન ચાલી રહ્યા છે. મને એવું લાગે છે કે જો આંદોલનના યુવાનોને કેસ પરત મોકલવામાં આવે તો અન્ય સમાજના લોકોના કેસ પણ પાછા ખેંચવામાં આવશે.
હાર્દિક પટેલ અને અન્ય પાટીદાર નેતાઓને લઇ SPGના લાલજીભાઈ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમને પાર્ટી સાથે જોડાયેલા અમારા ત્રણ નેતાઓ સાથે કોઈ અપેક્ષા નથી. પાર્ટી સાથે જોડાયા બાદ તેઓ પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube