Ahmedabad Accident: ગત અઠવાડિયે 20મી જુલાઈએ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર મધરાતે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ભેગા થયેલા લોકોમાંથી પૂરપાટ ઝડપે આવી રહેલી જગુઆર કારે 22 લોકોને અડફેટે લીધા જેમાં 9 લોકોના મોત નિપજ્યા જ્યારે હજુ પણ એક વ્યક્તિની હાલત ગંભીર છે. આ માંતેલા સાંઢ જેવી કાર તથ્ય પટેલ નામનો નબીરો ચલાવતો હતો. કારમાં તેની સાથે 5 મિત્રો પણ હતા. આજે આ કેસમાં પોલીસે કુલ 1684 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. જેમાં 50 સાક્ષીઓના નિવેદન પણ ચાર્જશીટમાં મુકવામાં આવ્યા છે. તેમજ FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ ચાર્જશીટમાં મુકવામાં આવ્યા છે. સાથે જ જગુઆર કંપનીનો રિપોર્ટ પણ ચાર્જશીટમાં એડ કરવામાં આવ્યો છે. તથ્ય વિરુદ્ધ ચાર્જશીટમાં 8 જેટલી વિવિધ કલમો લગાવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1684 પાનાની ચાર્જશીટ
ઇન્ચાર્જ CP પ્રેમવીરસિંહ યાદવે જણાવ્યું કે, તારીખ 20 તારીખે ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. 7 દિવસની તપાસ બાદ આજે રિપોર્ટ આપ્યો છે અને 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસ સામે જે પડકાર હતો તેમાં મૃતકને તાત્કાલિક સારવાર મળે તે મોટો પડકાર, આરોપી પકડાય તે બીજો પડકાર હતો. ગુનામાં કોઈ મહત્વના પુરાવાનું નાશ ન થઇ જાય તે મહત્વનું હતું. પુરાવા નાશ ન થઇ જાય તે માટે તથ્યના બ્લડ સેમ્પલ ત્રણ કલાકમાં જ લઇ લીધા હતા. તથ્યની ગાડી ઓવરસ્પીડમાં હતી તે સાબિત કરવું પડકારજનક હતું. જ્યાં વધુ અકસ્માત થતા હોય ત્યાં ટીમ ડિપ્લોય કરવામાં આવશે. 


ચાર્જશીટમાં કઈ કઈ કલમ

તથ્ય પટેલ સામે જે ચાર્જશીટ દાખલ કરાઈ છે તેમાં જે કલમો લગાવવામાં આવી છે અને તે કલમ હેઠળ શું સજા થઈ શકે તે ખાસ જાણો. વિવિધ 8 કલમો લગાવવામાં આવી છે જેની વિગતો નીચે મુજબ છે. 


IPCની કલમ 279 – જાહેર માર્ગ પર ભયજનક રીતે વાહન ચલાવી જાનહાની કરે તો તેવી વ્યક્તિને 6 મહિના સુધીની સજા અને દંડ થઈ શકે છે.
IPCની કલમ 337 – પોતાની ભુલથી બીજા લોકોના જીવ જોખમમાં મૂકવા. આ કલમ હેઠળ વધુમાં વધુ 6 મહિનાની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 338 - કોઈ ભયજનક પ્રવૃત્તિ કરીને બીજાના જીવને જોખમમાં મુકવો. આ કલમ હેઠળ 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 304 - હત્યા ન ગણાય તેવા ગુનામાં મનુષ્યવધ માટે સજા. આ ગુનામાં 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ
IPCની કલમ 504 – શાંતિ ભંગ થાય તેવું કૃત્ય કરવામાં આવે ત્યારે જો ગુનો સાબિત થાય તો બે વર્ષ સુધીની સજા થઈ શકે છે.
IPCની કલમ 506 (2) – મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની ધમકી માટે આ કલમ દાખલ થાય છે, જેમાં સાત વર્ષની સજાની જોગવાઈ છે.
IPCની કલમ 114 - ગુનાના સમયે વ્યક્તિની હાજરી હોવી.
તે ઉપરાંત મોટર વ્હીકલ ઍક્ટની કલમ 177, 184 અને 134(બ) કલમો એફઆઈઆરમાં દાખલ કરવામાં આવેલી છે.
Ipc ની કલમ 308 ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ જેમાં સાત વર્ષ ની સજાની જોગવાઈ


કલમ 304 વિશે ખાસ જાણો
સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ પર કોઈ હત્યા કે કોઈ અન્ય વ્યક્તિને મારી નાખવાનો આરોપ લગાવવામાં આવે છે તો આવા આરોપી પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 લગાવવામાં આવે છે પરંતુ એક વ્યક્તિ દ્વારા કોઈ અન્ય વ્યક્તિને મારી નાખવાના અનેક પહેલું હોઈ શકે છે. જેમ કે તે વ્યક્તિનો મારી નાખવાનો ઈરાદો ન હોય કે પછી તેણે તે હત્યા કોઈના કહેવા પર કે કોઈ દબાણમાં કરી હોય, તો આવા કેસમાં હત્યા તો થઈ જ છે, તો જે વ્યક્તિના હાથે હત્યા થઈ છે તેને કોર્ટમાં તેના તે ગુનાની યોગ્ય સજા અપાવવા માટે જોગવાઈ છે. આથી એવા કેસો જેમાં મારનાર વ્યક્તિનો ઈરાદો નથી હોતો, તેવા કેસોમાં આઈપીસીની કલમ 302 નથી લગાવવામાં આવતી પરંતુ કલમ 304 લગાવવાની જોગવાઈ છે. 


સજાની જોગવાઈ (કેટલી સજા થઈ શકે)
કલમ 304ના કેસોમાં આરોપીને દંડ તો આપવામાં આવે છે પરંતુ આ કલમમાં 302ના ગુનાથી થોડો ઓછો દંડ આપવાની જોગવાઈ છે. કલમ 304નો કેસ ફક્ત અને ફક્ત આરોપીની નિયતના આધાર પર ઘડવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ પર તેને કોઈ શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદે વાર કરે છે, પરંતુ ત્યારબાદ તે વાર પીડિત વ્યક્તિના મૃત્યુનું કારણ બની જાય, તો આવા કેસોમાં આરોપી પર કલમ 304 હેઠળ કેસ ચલાવવામાં આવી શકે છે. 


ભારતીય દંડ સહિતા (ઈન્ડિયન પીનલ કોડ)ની કલમ 304 મુજબ જો કોઈ વ્યક્તિ ઈરાદા વગર ( જે હત્યાની શ્રેણીમાં ન આવતું હોય) અથવા એવું કોઈ કાર્ય કરે જે મૃત્યુનું કારણ બને, એવી શારીરિક ઈજા જે સંભવત: મૃત્યુનું કારણ બને તે માટે કરાઈ હોય, તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે અથવા તો તે વ્યક્તિને કોઈ નિશ્ચિત સમયગાળા માટે જેલની સજા થશે જે 10 વર્ષ સુધી આપી શકાય. આ સાથે જ તેને દંડ પણ ભરવો પડી શકે છે. એટલે કે આ ગુનામાં 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. 



કલમ 304 અને જામીન
કલમ 304 હેઠળ અપરાધ ખુબ જ ગંભીર શ્રેણીમાં આવે છે. આ જ કારણે આ કલમ હેઠળ કડક સજાની પણ જોગવાઈ છે. કાયદામાં કલમ 304ના અપરાધીને જેલની સજા ફટકારવામાં આવે છે. આ કલમ હેઠળ નોંધાયેલો ગુનો બિનજામીન પાત્ર ગુનો છે. જેનો અર્થ એ થયો કે જો કોઈ વ્યકિતએ અપરાધ કર્યો છે અને આ કલમ હેઠળ ગુનો નોંધાયો છે અને તે કોર્ટમાં જામીન અરજી દાખલ કરે તો કોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube