Ahmedabad Accident: અકસ્માત સમયે બેફામ ગાડી ચલાવી રહ્યો હતો તથ્ય પટેલ, જેગુઆર કંપનીના રિપોર્ટમાં થયો ખુલાસો
Ahmedabad Iskcon Bridge Accident: અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી કુલ 10 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને લઈને હવે મોટા-મોટા ખુલાસા થઈ રહ્યાં છે. જેગુઆર કંપનીના રિપોર્ટ પ્રમાણે અકસ્માત સમયે પણ તથ્યની કાર ઓવર સ્પીડમાં હતી.
અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 10 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. બાપાના રૂપિયાથી જલસા કરતો તથ્ય ભાન વગર ગાડી ચલાવી રહ્યો હતો. ટ્રાફિકના નિયમોને વારંવાર ભંગ કરી તથ્ય પટેલ માત્ર સ્પીડથી વાહનો ચલાવી મોજમજા કરતો હતો. હવે સામે આવ્યું કે ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સમયે તથ્યએ કારમાં બ્રેક નહોતી મારી. જેગુઆર કંપનીના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ પ્રમાણે માત્ર અડધી સેકેન્ડમાં કાર લોકો પર ફરી વળી હતી.
જેગુઆર કંપનીના રિપોર્ટમાં થયો ખુલાસો
અમદાવાદમાં આવેલા ઈસ્કોન બ્રિજ પર 20 જુલાઈની મધ્યરાત્રીએ તથ્ય પટેલે 142થી વધુ કિમીની ઝડપે જેગુઆર કાર ચલાવીને ભયંકર અકસ્માત સર્જયો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. અકસ્માત સર્જનાર તથ્ય પટેલની કારને લઈને મોટો ખુલાસો થયો છે. જેગુઆર કંપનીના રિપોર્ટ પ્રમાણે ગાડીની સ્પીડ 137 કિમીથી વધુ હતી અને અકસ્માત સર્જયા બાદ કાર 108 Kmની સ્પીડથી લોક થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ નબીરાઓની સાન ઠેકાણે લાવવા પોલીસ મેદાને, જ્યાં અકસ્માત સર્જ્યો ત્યાં જ પાઠ ભણાવ્યો
બ્રેક મારવાની તસ્દી લીધી નહીં
તથ્ય જે કાર ચલાવતો હતો તે જેગુઆર કંપનીનો રિપોર્ટ યુકેથી આવી ગયો છે. આ રિપોર્ટ પ્રમાણે અકસ્માત સમયે તથ્યએ ગાડી પર બ્રેક નહોતી મારી. તથ્યની સ્પીડ પણ લિમિટ કરતા ખુબ વધારે હતી. કંપનીની તપાસમાં પણ કારની સ્પીડ વધુ હોવાની વાત સાબિત થઈ ગઈ છે.
મેપિંગથી મળી કુંડળી
અમદાવાદ પોલીસને સાક્ષીઓ પાસેથી મળેલી જાણકારી બાદ 20 જૂનથી લઈને 20 જુલાઈ વચ્ચે તથ્ય સાથે જોડાયેલા સ્થાનોનું મેપિંગ કર્યું. તેમાં તથ્યને વિવિધ જગ્યાઓ પર મોંઘી કારને વધુ સ્પીડથી ચલાવતા જોવા મળ્યો. ટ્રાફિક પોલીસના એક અધિકારી અનુસાર સીસીટીવી ફુટેજથી જાણવા મળ્યું છે કે તે હંમેશા એસજી રોડ, સિંધુ ભવન રોડ, એસપી રિંગ રોડ અને શહેરના અન્ય રસ્તાઓ પર 120 કિમી પ્રતિ કલાકથી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતો હતો.
આ પણ વાંચોઃ અકસ્માત સર્જવામાં માસ્ટર છે તથ્ય પટેલ, 31 ડિસેમ્બર 2022ના જગુઆરથી સર્જયો હતો અકસ્માત
પાંચ વખત રેડલાઇટ ભંગ કરી
પોલીસની તપાસમાં સામે આવ્યું કે તથ્ય પટેલ ન માત્ર સ્પીડ લિમિટ કરતા વધુ ગાડી ચલાવતો હતો પરંતુ તેણે એક મહિનામાં પાંચ વખત રેડ લાઇટ ભંગ કરી હતી. ચોંકાવનારી વાત છે કે નિયમોનો ભંગ કરવા છતાં ટ્રાફિક પોલીસે ન તો ક્યારેય કાર્યવાહી કરી ન તો દંડ ફટકાર્યો. અમદાવાદના એડિશનલ સીપી (ટ્રાફિક) એનએન ચૌધરીએ કહ્યુ કે તથ્ય પટેલ પાછલા મહિને ગાંધીનગરમાં થયેલી એક દુર્ઘટનામાં સામેલ હતો. સાક્ષીઓએ અમને તે વિશે જણાવ્યું જેની તપાસ ચાલી રહી છે. એફએસએલ રિપોર્ટમાં ખુલાસો થયો કે જેગુઆરની ગતિ અકસ્માત સમયે 140 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube