ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે દરેક સમાજો શક્તિ પ્રદર્શન કરીને પોતાનું વર્ચસ્વ દેખાડી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં માલધારી મહાપંચાયત દ્વારા મહામીટીંગ થઈ છે. આ મહાપંચાયતમાં સમાજના અગ્રણીઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, તાલુકા જીલા પંચાયતનાં સભ્યો, મ્યુનિ. કોર્પોરેટરો, સંતો-મહંતો, સમાજનાં વિવિધ સંગઠનોનાં પ્રમુખો, સામાજીક આગેવાનો અને માલધારી સમાજનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OBC અનામતને હાથ લગાડશો તો ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો
અમદાવાદમાં માલધારી મહાપંચાયત દ્વારા મહામીટીંગમાં માલધારીઓ OBC અનામત અંગે આકરા પાણીએ જોવા મળ્યા હતા. તેઓએ સરકાર પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, OBC અનામત આંદોલનને માલધારી મહાપંચાયત ટેકો આપે છે. પરંતુ હાલ OBC અનામત દૂર કરવા સરકાર ષડયંત્ર કરી રહી છે. પરંતુ જો OBC અનામતને હાથ લગાડશો તો ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો. માલધારી મહાપંચાયત દ્વારા 10 ટકા નહીં પણ 27 ટકા અનામત આપવામાં આવે તેવી માંગણી કરી છે.


આજે અમદાવાદમાં માલધારી સમાજની મહાપંચાયત મળી છે, ત્યારે મહાપંચાયતમાં સમાજના વિવિધિ કુરિવાજો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માલધારી સમાજમાં મધ્યમવર્ગના લોકો ના પીસાય તેના માટે પણ સુધારા કર્યા છે. જેમાં જન્મ, લગ્ન, મરણ સહિતના પ્રસંગમાં કેટલીક જૂની પરંપરાઓ દૂર કરવામાં આવી છે. જેના કારણે વિવિધ આર્થિક ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


વિવિધિ કુરિવાજો દૂર કરવાનો નિર્ણય
માલધારી રબારી સમાજમાં વર્ષો જુના આર્થિક નુકશાન કરતા અને ખોટો સમય વેડફાતા કુ-રિવાજો (Social customs) સદંતર બંધ કરવા, લગ્નો અને મરણોમાં તેમજ નાનાં-નાનાં પ્રસંગોમાં આર્થિક ખર્ચા બંધ કરવા તેમજ સમયનો યોગ્ય ઉપયોગ કરવો તેની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. માલધારી સમાજનાં નવા રિત-રિવાજો આ મહામીટીંગમાં જાહેર કરવામાં આવ્યા હતા. જેનું ગુજરાતનાં તમામ માલધારી સમાજે પાલન કરવા જણાવાયું છે. 


સંગઠીત અને શિક્ષણમાં માલધારી સમાજ આગળ વધે તેમજ ગુજરાતનાં તમામ વર્ગ સાથે ધંધા રોજગારમાં પણ ખભેથી ખભા મિલાવીને આગળ વધે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. એટલું જ નહીં,  સમુહલગ્નોમાં માલધારી સમાજ આગળ આવે, બ્લડ ડોનેશન કેમ્પો કરી પ્રજાજનોને ઉપયોગી થાય, મેડીકલ કેમ્પો કરી પ્રજાજનોને ઉપયોગી થવાય તેવા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube