અમદાવાદ: પરણિત યુવકે લગ્ન કરવાનું વચન આપી યુવતી સાથે ગુજાર્યો બળાત્કાર
યુવતીએ મેહુલની વાત પર ભરોસો કરી લીધો હતો ત્યારબાદ મેહુલ અવારનવાર ગેસ્ટ હાઉસમાં તેને લઇ જતો હતો અને શારીરિક સંબંધ બાંધતો હતો.
જાવેદ સૈયદ, અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિનીને લગ્નનું પ્રોમિસ આપીને એક પરિણીત યુવકે બે વર્ષ સુધી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની ઘટના સામે આવી છે. થોડાક દિવસ પહેલાં યુવકે વિદ્યાર્થિની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને તેના પર એસિડ છાંટીને ચહેરો કદરૂપો કરી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પોલીસે યુવક વિરુદ્ધમાં પોક્સો એક્ટ હેઠળ બળાત્કારનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
નિકોલ વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં રહેતી યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં એક પરિણીત યુવક વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરી છે. યુવતી નિકોલની રામેશ્વર સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી હતી ત્યારે તેનો પરિચય તેના જ ફ્લેટમાં રહેતા યુવક મેહુલ પટેલ સાથે થયો હતો.
મેહુલ તેની પત્ની અને એક પુત્ર સાથે રહે છે અને આઇસક્રીમ કંપનીમાં નોકરી કરે છે. યુવતી સાંજે ફ્લેટમાં આવેલ ગાર્ડનમાં બેસવા માટે આવતી ત્યારે મેહુલ પણ તેની સાથે વાતચીત કરતો હતો. બે વર્ષ પહેલાં મેહુલ અને યુવતી બહાર ફરવા અને જમવા માટે જતા હતા. મેહુલે પોતાની પત્નીને છુટાછેડા આપીને યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. યુવતીએ મેહુલની વાત પર ભરોસો કરી લીધો હતો ત્યારબાદ મેહુલ અવારનવાર ગેસ્ટ હાઉસમાં તેને લઇ જતો હતો અને શારીરિક સંબંધ બાંધતો હતો.
તે સમયે યુવતીની ઉમર ૧૬ વર્ષની હતી. ધોરણ ૧રના અભ્યાસ બાદ નીતાએ એરહોસ્ટેસનો અભ્યાસ શરૂ કર્યો હતો. મેહુલ ભોગ બનનાર યુવતી ને લગ્ન કરવાનું પ્રોમિસ આપીને ગેસ્ટ હાઉસમાં લઇ જતો હતો અને તેની સાથે સંબંધ બાંધતો હતો. ગત મહિને ભોગ બનનાર યુવતીએ મેહુલ સાથે લગ્ન કરવાની વાત કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને હું તારી સાથે લગ્ન કરવાનો નથી.
જો આ વાત કોઇને કરીશ તો તારા મોઢા પર એસિડ છાંટીને તારો ચહેરો કદરૂપો કરી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવતીએ હિંમત કરીને સમગ્ર વાત તેના ફોઇને કરી હતી, જેમાં મંગળવારે નિકોલ પોલીસ સ્ટેશનમાં યુવતીએ મેહુલ વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરી છે. પોલીસે મેહુલ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.