આનંદો! અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને મળશે વધુ એક સુવિધા, છૂટ્યા આદેશ
મેટ્રોના મુસાફરો પોતાના વાહન પાર્ક કરવા માટે મેટ્રો સ્ટેશન નજીક જ અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, ઓન સ્ટ્રીટ પાર્કિંગ, ઓફ સ્ટ્રીટ પાર્કિંગ સહિતની સુવિધા ઉભી કરવા આદેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદ: મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને આજે એક મોટા ખુશખબર મળ્યા છે. શહેરીજનો માટે મેટ્રોની સુવિદ્યા તો કરવામાં આવી પરંતુ સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગનો થતો હતો. પરંતુ હવે આ મુશ્કેલીના નિવારણ માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. મેટ્રોના પાર્કિંગની સમસ્યાનો હલ આવશે. મુસાફરો હવેથી 18 સ્થળ પર પાર્કિંગ કરી શક્શે. AMC ટેન્ડર પ્રક્રિયા બહાર પાડીને પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરશે. પરંતુ હા હાલ પુરતું લોકો પોતાના વાહન ફ્રીમાં સ્વ જોખમે પાર્ક કરી શક્શે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પે એન્ડ પાર્કથી વાહન પાર્ક કરી શક્શે.
અગાઉ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ વિભાગને વાહન પાર્કિંગના પ્લોટની ફાળવણી કરવા સૂચના આપવામાં આવી હતી. આદેશ મળ્યા બાદ એસ્ટેટ વિભાગે પ્લોટની માત્ર મુલાકાત લીધી હતી પરંતુ મેટ્રો શરૂ થયા બાદ પણ પાર્કિંગની સુવિધા મળી શકી નહોતી. જો કે, હવે નવા આદેશ મુજબ 18 સ્થળોએ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે.
મેટ્રોના મુસાફરો પોતાના વાહન પાર્ક કરવા માટે મેટ્રો સ્ટેશન નજીક જ અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, ઓન સ્ટ્રીટ પાર્કિંગ, ઓફ સ્ટ્રીટ પાર્કિંગ સહિતની સુવિધા ઉભી કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ પાર્કિંગની સુવિધા મેટ્રો સ્ટેશનથી 500 મીટરના અંતરના વિસ્તારમાં મળી શકશે.
તમને જણાવી દઈએ કે, હાલ મેટ્રોમાં મુસાફરી કરતા લોકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ વસ્ત્રાલથી થલતેજ ગામ સુધી અને ગ્યાસપુરથી મોટેરા સ્ટેડિયમ સુધી દોડનારી મેટ્રો સુધી પહોચ્યાં બાદ પોતાના વાહન ક્યાં પાર્ક કરવા તેને લઈને મૂંઝવણમાં હતા. હવે આ સમસ્યાનો નિકાલ કરવાનો આદેશ છૂટ્યા છે.
જુઓ આ પણ વીડિયો:-