અમદાવાદ : શહેરમાં તૌકતે વાવાઝોડાને પગલે નુકસાન શરૂ થઇ ચુક્યું છે. અસહ્ય ઉકળાટ વચ્ચે અચાનક મેઘાડંબર બાદ તોફાની વરસાદ તુટી પડ્યો હતો. જેના કારણે શહેરમાં 30થી વધારે વૃક્ષો ધરાશાયી થયાની ઘટના બની હતી. જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જીદ નજીક એક વિશાળ કાય વૃક્ષ તુટી પડ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફુલ બજાર વિસ્તારમાં 70 વર્ષ જુનુ લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. ગઇકાલે રાતથી બપોર સુધીમાં 24 વૃક્ષો પડવાની ઘટના બની છે. આ અંગે કંટ્રોલ રૂમમાં જાણ પણ થઇ છે. અમદાવાદનાં દરિયાપુર, બહેરામપુરા, મણિનગર, જમાલપુર વિસ્તારમાં સૌથી વધારે નુકસાન થયું છે. 


શહેરનાં જમાલપુર ઉપરાંત બહેરામપુરા અને મણિનગર વિસ્તારમાં વૃક્ષ પડવાની 15 ફરિયાદો રવિવારે સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં જ મળી હતી. અન્ય વિસ્તારોમાં પણ 10થી વધારે વૃક્ષો ધરાશાયી થયા છે. રિવરફ્રન્ટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ઇજનેર ખાતુ, એસ્ટેટ ખાતુ, ગાર્ડન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં વૃક્ષ પડે ત્યાં તત્કાલ રોડ ખુલ્લો કરવો વગેરે જેવી કામગીરી કરવામાં આવી રહી છે. 


અમદાવાદ મ્યુનિ. ના ઈજનેર વિભાગ દ્વારા મેમ્કો ઉપરાંત મણિનગર, વિરાટનગર, ઉસ્માનપુરા, જોધપુર, જમાલપુર અને દુધેશ્વર ખાતે જ્યારે ગાર્ડન વિભાગ દ્વારા મેમ્કો ઉપરાંત દેડકી ગાર્ડન, મણિનગર, ચકુડીયા, નવદીપ હોલની બાજુમાં વનીકરણ ઓફીસ, વસ્ત્રાપુર લેક, જોધપુર અને સરદારબાગ તથા ફાયર વિભાગ દ્વારા પાલડી કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેની અપડેટ સીધી રિવરફ્રન્ટ પાવર હાઉસ ખાતે કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube