દેશનાં `સૌથી સમૃદ્ધ` રાજ્ય ગુજરાતમાં સંખ્યાબંધ કુપોષિત બાળકો! AMC સંચાલિત શાળાઓમાં મોટો ધડાકો!
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હોમીયોપેથી એસોસિયેશનના માધ્યમથી બાળકોનાં આરોગ્યની કાળજી લેવાઈ રહી છે. હોમીયોપેથી એસોસિયેશનના ડોકટરોની મદદથી કુપોષિત બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે.
અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યમાં સરકાર દ્વારા બાળકોને કુપોષણની બીમારીથી બચાવવા માટે દર વર્ષે કરોડોનો ખર્ચ કરી રહી છે. તેમ છતાં રાજ્યમાં કુપોષિત બાળકોનો જન્મનો સિલસિલો વધતો જઈ રહ્યો છે. ખાલી અમદાવાદમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતા 752 બાળકો કુપોષિત હોવાનું ખુલ્યું છે. કુપોષિત બાળકોને લઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓની ચિંતા વધી ગઈ છે. ત્યારબાદ 752 કુપોષિત વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરી તેમને જરૂરી દવા અપાઈ રહી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હોમીયોપેથી એસોસિયેશનના માધ્યમથી બાળકોનાં આરોગ્યની કાળજી લેવાઈ રહી છે. હોમીયોપેથી એસોસિયેશનના ડોકટરોની મદદથી કુપોષિત બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓની ઉંમર ધ્યાને લઇ તેમનું વજન ઓછું હોય, ઉંચાઈ ઓછી હોય, ભૂખ નાં લાગતી હોય એવા બાળકોને ચિન્હિત કરાયા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સૂજય મહેતાએ જણાવ્યું હતું કે, જે 752 બાળકો કુપોષિત છે એમની દેખરેખ કરાઈ રહી છે. બાળકોમાં જે પણ કમીઓ છે તેને દૂર કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
અત્યાર સુધી ત્રણ સેશન અમે યોજી ચૂક્યા છે. આગામી બેથી ત્રણ મહિનામાં આ બાળકોમાં સારી એવી પ્રગતિ દેખાશે એવી અમને આશા છે. 752 કુપોષિત બાળકોની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં જઈ કુપોષિત બાળકોને જરૂરી દવા અને પૌષ્ટિક પાવડર આપી કાળજી લેવાઈ રહી છે. હોમીયોપેથી એસોસિયેશન, કેટલીક સમાજિક સંસ્થાઓની મદદથી બાળકોની નિશુલ્ક સારવાર કરાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં 1 લાખ 65 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જુલાઈ મહિનામાં હોમીયોપેથી એસોસિયેશનની મદદથી તમામ બાળકોની આરોગ્યની તપાસ કરાઈ હતી. જુદા જુદા તબક્કાની તપાસ બાદ 752 બાળકોને સંપૂર્ણ ફિટ કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કમર કસી છે.
મહત્વનું છે કે, સમગ્ર દેશમાં સૌથી સમૃદ્ધ રાજ્યમાં એક રાજ્ય ગુજરાતને ગણવામાં આવે તેમ છતાં આજે પણા રાજ્યમાં કુપોષિત બાળકોનો જન્મ થાય છે. જેમાં લોહીની ઉણપ ધરાવાતાં અનેક બાળકોનો જન્મ થયો છે.