પુસ્તકો વિના ભણશે ગુજરાત: નવું શૈક્ષણિક સત્ર શરૂ, પણ પુસ્તકો શાળામાં ન પહોંચ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓમાં હજુ સુધી ધોરણ 1 થી 8 ના એકપણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી. પુસ્તકો વિના શિક્ષકો પણ કેવી રીતે બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવશે એ મોટો પ્રશ્ન ઉદભવ્યો છે.
અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે અમદાવાદની શાળાઓમાં અલગ વિચિત્ર દ્વશ્યો જોવા મળ્યા છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું હોવા છતાં શાળાઓમાં પુસ્તકો પહોંચ્યા નથી. તો કેટલીક શાળાઓમાં તાળાઓ લાગેલા જોવા મળ્યા છે.
7 જુન એટલે કે આજથી રાજ્યભરની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂઆત થઇ છે. ઓનલાઈન અભ્યાસ (online study) માટે પ્રાથમિક જરૂરીયાત પુસ્તકોની હોય છે. આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓમાં હજુ સુધી ધોરણ 1 થી 8 ના એકપણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી. પુસ્તકો વિના શિક્ષકો પણ કેવી રીતે બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવશે એ મોટો પ્રશ્ન ઉદભવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાના બાળકો પુસ્તકો વગર જ ઓનલાઇન અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે.
આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે એવામાં શિક્ષકોની ટ્રેનિંગ પણ બાયસેગના માધ્યમથી શરૂ કરાઇ છે. સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા બ્રિજ કોર્ષની ટ્રેનિંગ પણ આજથી આપવાની શરૂ કરાઇ છે. પુસ્તકો આવે અને બાળકો સુધી પહોંચાડવામાં આવે ત્યારબાદ જ ખરું શિક્ષણ શરૂ થાય એવી સ્થિતિ પેદા થઇ છે. ઓનલાઇન શિક્ષણ સરકારી શાળાઓના બાળકો માટે ખુબ મુશ્કેલ હોય છે. એવામાં એમસી સંચાલિત શિક્ષકો બાળકોનાઘરે જઇને પણ અભ્યાસ કરાવવામાં આવે તેવા પ્રયાસ કરશે. જેમની પાસે મોબાઇલ કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી, તેવા બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત ન રહે તેનું શિક્ષકો ખાસ ધ્યાન રાખશે.
ઝોન લેવલ સુધી પણ પુસ્તકો પહોંચ્યા નથી
શાળાઓ પોતે જ પુસ્તકો મેળવવાથી વંચિત છે, આવામાં બાળકો સુધી પુસ્તકો પહોંચ્યા નથી. ગાંધીનગર સ્થિત પાઠ્ય પુસ્તક મહામંડળ દ્વારા પુસ્તકો તમામ સ્કુલ બોર્ડની શાળાઓમાં વેકેશન પૂર્ણ થયા બાદ મોકલવામાં આવતા હોય છે. જો કે આ વર્ષે નવું સત્ર શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે. એવામાં પણ ઝોન લેવલ સુધી પણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી.
જાહોજલાલી અને સ્થાપત્ય કલાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ ગણાતા ચાંચ બંગલાને થયું નુકસાન, જાણો કેમ છે ખાસ
તો તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશનના અભાવે સીલ કરવામાં આવેલી શાળાઓ પર તાળા યથાવત છે. બીયુ પરમિશનના અભાવે સિલ કરેલી સ્કૂલ સંચાલકો ખોલી શક્યા નથી. અમદાવાદ શહેરની 30થી વધુ શાળાઓ સીલ કરવામાં આવી છે જેના પર તાળા યથાવત છે. શાળા સીલ હોવાથી ધોરણ 10ની માર્કશીટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે. ઓનલાઇન શિક્ષણ તેમજ શિક્ષકોની ટ્રેનિંગ અટકી ગઇ છે. સીલ કરવામાં આવેલી શાળાઓમાં શિક્ષકો આવ્યા હતા પરંતુ તાળા લાગેલા હોવાથી બહાર ઉભા રહેવા મજબૂર બન્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube