અતુલ તિવારી/અમદાવાદ: શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરવામાં આવતા રહિશોમાં ડરનો માહોલ બન્યો છે. રવિવારે મોડીરાત્રે અસામાજિક તત્વોએ વાહનો સિવાય ATMમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનો રિપોર્ટ મળી રહ્યો છે. રસ્તા પર પાર્ક કરવામાં આવેલી ગાડીઓ અને રિક્ષાના કાચ તોડી નાંખવામાં આવ્યા છે. આ ઘટનામાં 20 જેટલા અસામાજિક તત્વોએ તોડફોડ કર્યાની શક્યતા સેવવામાં આવી રહી છે. એટલું જ નહીં અસામાજિક તત્વોનો ત્રાસ આટલેથી અટક્યો નહોતો, તેમણે મોડીરાત્રે કેટલાક લોકોને માર પણ માર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરાતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા નંદનવન આવાસ યોજનામાં રવિવારે મોડી સાંજે પાર્ક કરાયેલી ગાડીઓ અને બાઇકોમાં તોડફોડ કરવામાં આવી છે. અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે 40 જેટલા વાહનોના કાચ તોડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અસામાજિક તત્વોએ નંદનવન આવાસ યોજનાની અંદર જ નહીં, બહાર રોડ પર પાર્ક થયેલી કેટલીક ગાડીઓ અને રિક્ષાના કાચ પણ તોડી નાંખ્યા હતા. જેના કારણે સ્થાનિકો પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે અને વિસ્તારમાં ડરનો માહોલ બનેલો છે.


આ ઘટનામાં સ્થાનિકોના દાવા મુજબ 20 જેટલા બાઈકસવારો દ્વારા વાહનોમાં તોડફોડ કરાઈ છે. જાણવા મળી રહ્યું છે કે, નિર્ણયનગર વિસ્તારમાં આવેલા નંદનવન આવાસ સોસાયટીમાં મોડી રાત્રે 10.30 કલાકે 20 જેટલા બાઈકસવારો હાથમાં બેટ, લાકડી, હોકી અને તલવાર સાથે તોડફોડ કરવામાં આવી હતી. 


સ્થાનિકોના દાવા મુજબ રૂપિયાની લેતી દેતીના કારણે અન્ય લોકોના વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ઘટનામાં અસામાજિક તત્વોએ બે લોકોને ઘાયલ પણ કર્યા છે. જેમાં એક ઘાયલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ  આ ઘટનાની જાણ પોલીસને કરાતા કાફલો પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube