ઉદય રંજન, અમદાવાદઃ પરિવારનું પાલન પોષણ કરવાની જવાબદારીમાં જલ્દી પૈસા કમાવાની લાલચ સાથે ઘણા લોકો ખોટા કામ કરવા લાગે છે. અમદાવાદ પોલીસ દ્વારા એક એવા ચોરની ધરપકડ કરવામાં આવી છે. જેણે બે પત્ની અને છ બાળકોનું ભરણપોષણ કરવા માટે ચોરી કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે ઝડપી 16 ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને 16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે કરી ધરપકડ
અમદાવાદ ઝોન 7 સ્કોડ પોલીસે જે ચોરની ધરપકડ કરી છે તેનું નામ સમીરખાન ફરીદખાન પઠાણ છે. ઝોન 7 સ્કોડ પોલીસે આ શખ્સની મહેસાણાના એક ગુનો અને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારના 15 ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. પોલીસે ચોરી કરેલ બે ઈકો કાર, બે એકટીવા, એક રિક્ષા, એક મોબાઈલ, ચાર મોંઘી કાંડા ઘડિયાળ અને 12 લેપટોપ કબ્જે કર્યા છે. જેની કુલ કિંમત 16 લાખ જેટલી થવા પામે છે. પોલીસે ચોર સમીરખાન ફરીદખાન પઠાણની ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આ તમામ મુદ્દામાલ ચોરી કરીને વેચવાનો હતો અને જે પૈસા મળે તેનાથી બે પત્ની અને છ બાળકોનું ભરપોષણ કરવાનો હતો. ચોરી કરવા પાછળ મુખ્ય આશય પોતાની બે-બે પત્નીઓના ઘર ચલાવવા માટે પડતી પૈસાની જરૂરીયાત છે.


આ પણ વાંચોઃ રાજ્યને ટેક્નોલોજી અને વિકાસમાં અગ્રેસર રાખવા મુખ્યમંત્રીએ કરી A.I ટાસ્કફોર્સની રચના


આટલા ગુનાને આપ્યા છે અંજામ
આરોપી ચોર સમીરખાન ફરીદખાન પઠાણની પૂછપરછમાં સામે આવ્યું છે કે વર્ષ 2017થી ચોરી કરવાની શરૂઆત કરી છે. જેમાં અત્યાર સુધીમાં ચોરી, મારામારી અને દારૂની હેરાફેરી સહિતના 25 ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આ સિવાયના અન્ય કોઈ ગુનાઓ આચર્યા છે કે નહીં તેની તપાસ પોલીસે શરૂ કરી છે.


આ રીતે કરતો હતો ચોરી
જો આ ચોરની ચોરની મોડ્સ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો પાર્કિંગમાં પાર્ક કરેલ કારનાં કાચ તોડી તેમાંથી લેપટોપ સહિતની કિંમતી વસ્તુઓ ચોરી  લેતો હતો. સાથે જ એક્ટિવા અને ઈકો કાર પણ ખાસ ચોરતો હતો પોલીસે ચોર સમીરખાન ફરીદખાન પઠાણ પાસેથી 14 આરટીઓ પાર્સિંગની અલગ અલગ નંબર પ્લેટ પણ કબ્જે કરી છે. આ નંબર પ્લેટ ક્યાંથી આવી અને શું-શું ઉપયોગ કરતો હતો એ અંગે પણ તપાસ શરૂ કરી છે.