દિલ્હી પાસિંગની કાર અમદાવાદના જે જે વિસ્તારમાંથી પસાર થતી, ત્યાં ચોરી થતી... મોટો ભેદ ઉકેલાયો
- અમદાવાદમાં વીઆઇપી ચોર પકડાયા
- દિલ્હીથી ગોલ્ડન કાર લઈને આવતા ચોરી કરવા
- પોશ વિસ્તારમાં મકાનોને તાળું હોય ત્યાં ચોરી કરતા
- રેકી કર્યા વગર જ ચોરીને અંજામ આપતા
ઉદય રંજન/અમદાવાદ :શહેરની સોલા પોલીસે ચોરી કરતી એવી ગેંગ પકડી જે માત્ર દિલ્હીથી કાર લઈને અમદાવાદના પોશ વિસ્તારમાં ચોરી કરવા આવતી હતી. આ ગેંગ ફતેહવાડી વિસ્તારમાં રોકાઈને કારમાં ચોરી કરવા નીકળતી હતી. આ કાર અમદાવાદના અનેક વિસ્તારોમાં દેખાતા પોલીસે સોશિયલ મીડિયાની મદદથી તેને શોધવાની કવાયત હાથ ધરી હતી. પોલીસે કારના સીસીટીવી ફૂટેજ ફરતા કર્યા હતા. સીસીટીવી વાયરલ કરતા પોલીસને બાતમી મળી હતી અને પોલીસે આ ચોરોની ગેંગ ચોરી કરવા ઘૂસે ત્યાં જ ફ્લેટમાંથી તમામને ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો : આણંદ : નોકરી જવા નીકળેલા ત્રણ યુવકોની બાઈકને ટ્રકે મારી ટક્કર, ઓન ધી સ્પોટ મોત
સીસીટીવી ફુટેજમાં દિલ્હી પાસિંગની કાર સ્પષ્ટ જોઈ શકાતી હતી. આ ગોલ્ડન કાર છેલ્લા ઘણા દિવસોથી સોલા અને સેટેલાઇટ વિસ્તારમાં ફરી રહી હતી. આ કાર અમદાવાદના જે જે વિસ્તારમાંથી પસાર થતી દેખાઈ, તે જ સમયગાળામાં તે વિસ્તારોમાં ચોરી થઈ હતી. આ કારમાં આવતા લોકો જ ચોરી કરતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. પોલીસે તપાસ કરતા કારની કોઈ જ ભાળ મળી ન હતી. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ત્યાં એક પાનના ગલ્લાવાળાએ ફરી આ કાર જોતા તેણે તાત્કાલિક સોલા પોલીસને જાણ કરી હતી. જે જગ્યા પર પોલીસ પહોંચી ત્યાં આ આરોપીઓ ચોરી કરવા જ આવ્યા હતા અને રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે દિલ્હીની ચોર ગેંગના ઇકબાલ, ઇર્ષાદ અને સહરોઝને પકડી પાડ્યા છે. આ તમામ વીઆઇપી ચોર છે.
આ પણ વાંચો : ગુજરાતની વર્લ્ડ ફેમસ કંપનીએ પોતાના 4000 કર્મચારીઓને વેક્સીન આપવાની તૈયારી બતાવી
પોલીસના મારથી બચવા આરોપીનો સ્ટંટ
પોલીસને જોઈને ત્રણેય આરોપીઓ ભાગવા જતા હતા. જેમાંથી એક આરોપીએ પોતાને બ્લેડ મારી હતી. આ ચોરે પોલીસના મારથી બચવા જીભ નીચે રાખેલી બ્લેડ કાઢી પોતાના હાથ અને માથામાં બ્લેડના ઘા મારી દીધા હતા. જેથી તાત્કાલિક તેને સારવાર પણ અપાઈ અને તેને 12 ટાંકા આવ્યા હતા.
પોલીસ તપાસમાં ખૂલ્યું કે, આ આરોપીઓ કોઈ મકાનની રેકી કરતા ન હતા. આ કાર તેઓએ તેમના મિત્ર પાસેથી ખરીદી હતી. આ ચોર ટોળકી જ્યાં જ્યાં કાર લઈને નીકળે, એ વિસ્તારોમાં બંધ મકાન દેખાય તો ચોરી કરી ફરાર થઈ જતા હતા. આરોપીઓ તેમના ઓળખીતા સમીર નામના શખસના ફતેહવાડી ખાતેના મકાનમાં રોકાતા અને ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ અમદાવાદમા અનેક ચોરીને અંજામ આપ્યો છે. જોકે બીજી તરફ પોલીસ માટે મોટી ચેલેન્જ એ પણ છે કે, આ આરોપીઓને ચોરીના સ્થળો યાદ નથી તેવું રટણ કરતા નક્કી આંકડો પોલીસ મેળવી શકી નથી.
આ પણ વાંચો : બાલાજી વેફર્સ યુપીમાં 100 એકર જગ્યામાં ફૂડ પાર્ક બનાવશે, એક સમયે સિનેમાની કેન્ટીનથી શરૂ કર્યો હતો બિઝનેસ
આરોપી ઇકબાલ, ઇર્ષાદ અને સહરોઝ દિલ્હીના રહેવાસી છે અને અગાઉ દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડામાં પણ પકડાઈ ચૂક્યા છે. ત્યારે આવનારા સમયમાં સોલા પોલીસસ્ટેશન સિવાયના કેટલા ગુનાના ભેદ ઉકેલાય છે તે જોવું રહ્યું.