લગ્નવાંછુક યુવકોને છેતરતી ગેંગનો પર્દાફાશ, લુંટેરી દુલ્હન હજુ પોલીસ પકડથી દૂર
મૌલિક ધામેચા/અમદાવાદઃ અમદાવાદમાં ફરી લુટેરી દુલ્હનનો કિસ્સો બહાર આવ્યો છે. મણિનગરમાં એક વ્યકિતને સવા લાખ રૂપિયાથી વધુ રકમનો ચૂનો ચોપડીને લુટેરી દુલ્હન ફરાર થઈ જતાં તેણે પોલીસમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે 3 આરોપીઓને કૃષ્ણનગર પોલીસે ઝડપી પાડ્યા છે અને બાકીના આરોપીઓની શોધખોળ કરી રહી છે.
મણિનગરની વ્યક્તિની ફરિયાદના આધારે પોલીસે વંદના અને પિન્કી નામની બે મહિલાની ધરપકડ કરી છે.આ બંને મહિલા મુખ્ય આરોપી છે, જે શહેરમાં લગ્ન કરવા માટે ઈચ્છુક યુવકો અને વ્યક્તિઓને શોધી લાવતી હતી. ત્યાર પછી લુટેરી દુલ્હન સાથે લગ્ન કરવાની લાખો રૂપિયા લઈને ફરાર થઈ જતા હતા.
ઝોન-4ના ડિસીપી નિરજ બડગુજરે આ અંગે જણાવ્યું કે, "આં બંને મહિલાઓએ ફરિયાદી મનીષ તિવારી પાસેથી રૂ.70 હજાર લઈને તેના લગ્ન પ્રતિમા રાજન દાસ નામની યુવતી સાથે કરાવ્યા હતા. લગ્નના થોડા સમય પછી પત્ની ફરાર થઈ જતાં યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મનીષની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડી લીધા છે. આ ગેંગમાં 3 મહિલા ઉપરાંત અન્ય 3 શખ્સ પણ સંડોવાયેલા છે. ધીરજ કોષ્ટી, ભોલા અને કમલેશ નામની વ્યક્તિઓ હાલ ફરાર છે."
ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, એક ફરિયાદ કૃષ્ણનગરમાં નોંધાઈ છે અને બીજી એક વ્યક્તિએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બંને ગુનામાં એક જ ગેંગ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ ગેંગે અન્ય લોકોને પણ પોતાનો શિકાર બનાવ્યા હોય તેવું લાગી રહ્યું છે. આથી, પોલીસે ગેંગના અન્ય સભ્યોને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. સાથે જ મહિલાઓની પુછપરછ કર્યા પછી જે કોઈ વિગતો જાણવા મળશે તેના આધારે વધુ આગળ તપાસ હાથ ધરવામાં આવશે.
જુઓ LIVE TV....