જાવેદ સૈયદ/ અમદાવાદ: અમદાવાદ શહેરના બાપુનગરમાં પ્રણય ત્રિકોણમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી છે. હુમલાખોરે ચપ્પાના ઘા મારી પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરતાં પોલીસે આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન શરૂ કરી દેતાં રવિન્દ્ર નામના આરોપીની ધરપકડ કરી દીધી છે. ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પ્રેમ પ્રકરણમાં અદાવત રાખી પોલીસ કોન્સેટેબલની હત્યા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર બાપુનગર વિસ્તારમાં આવેલા સોનેરીયા બ્લોક પાસે પોલીસ કોન્સ્ટેબલ ઉમેશ ખાંડે અને રવિન્દ્ર તેમના અન્ય મિત્રો સાથે દારૂની મહેફીલ માણતા હતા. તે સમયે અન્ય મહિલા સાથેના બંનેના પ્રેમ સંબંધને લઇને માથાકૂટ થઈ હતી અને બંને વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો.


પોલીસ કોન્સ્ટેબલ ઉમેશ ખાંડે અને રવિન્દ્વએ એકબીજા પર છરીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં કોન્સ્ટેબલ ઉમેશ ખાંડેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતુ. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા.


મૃતક પોલીસ કોન્સ્ટેબલ ઉમેષ ખાંડે પોલીસ હેડક્વાટરમાં ફરજ બજાવતો હતો. આરોપી રવિન્દ્રના બહેનની નણંદ સાથે પોલીસ કોન્સ્ટેબલ ઉમેષ ખાંડે અને રવિન્દ્રને અવૈદ્ય સંબંધો હતા. આજે રાત્રીના સમયે કોન્સ્ટેબલ અને રવિન્દ્ર અન્ય મિત્રો સાથે દારૂની મહેફિલ માણવા બેઠા હતા. તે વખતે બંને વચ્ચે આ યુવતિ સાથેના સબંધ વિશે તકરાર થઈ અને બંનેએ એકબીજા પર છરીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં રવિન્દ્ર પણ ઇજાગ્રસ્ત થયો હતો. તેમજ કોન્સ્ટેબલને વધુ ઇજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જે અંગે બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.