અમદાવાદ. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં શુક્રવારે પોલીસે ફાયરિંગ કેસના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. અન્ય ગુનેગારો બોધપાઠ મેળવે અને આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તેના હેતુ માટે પોલીસે આરોપીઓને જાહેરમાં ફેરવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં આ આરોપીઓએ ફરિયાદી સાથે ધંધા માટે બોલાચાલી થતાં ધમકી આપીને રૂ.10 લાખની ખંડણી માગી હતી. આરોપીઓ આટલેથી જ અટક્યા ન હતા અને બીજા દિવસે તેઓ ફરિયાદીને ત્યાં ફરી પહોંચી ગયા હતા અને તેને ડરાવવા માટે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. 


ભરબજારમાં ફાયરિંગ થતાં લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. ગુનેગારોની ધમકીથી ડર્યા વગર ધંધાર્થીએ પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે જાહેરમાં ફાયરિંગ કરનારા આ આરોપીઓને પકડી પાડ્યા હતા. જાહેરમાં ફાયરિંગ થયું હોવાને કારણે આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. 


એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ આર.એન. વિરાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, જાહેરમાં ફાયરિંગ થવાને કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. લોકોમાંથી આરોપીઓના ભયને દૂર કરવા માટે અને તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરાઈ હતી. 


વિરાણીએ વધુમાં જણાવ્યું કે, આરોપીઓ ફરીથી આ પ્રકારના બનાવને અંજામ ન આપે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તેના માટે પોલીસ દ્વારા આરોપીઓના ઘર પાસે જ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. 


પોલીસ આરોપીઓને હથકડીઓ પહેરાવીને જાહેરમાં નિકળતાં તેને જોવા માટે લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતા અને આરોપીઓ પ્રત્યે ફિટકારની લાગણી વરસાવી હતી.