રથયાત્રા પહેલાં પોલીસ મોટું સર્ચ ઓપરેશન, ગોમતીપુરમાંથી મળી આવ્યો વિસ્ફોટક સામાન
રથયાત્રા પૂર્વે પોલીસ મોટું સર્ચ ઓપરેશન હાથ ધરી રખિયાલ અને ગોમતીપુર પોલીસે સંયુક્ત રેડ પાડી હતી. ત્યારે આ પોલીસ રેડમાં ગોમતીપુર વિસ્તારમાંથી બોમ્બ મળી આવ્યા છે.
અમદાવાદ: રથયાત્રા પૂર્વે પોલીસ મોટું સર્ચ ઓપરેશન હાથ ધરી રખિયાલ અને ગોમતીપુર પોલીસે સંયુક્ત રેડ પાડી હતી. ત્યારે આ પોલીસ રેડમાં ગોમતીપુર વિસ્તારમાંથી બોમ્બ મળી આવ્યા છે. કુખ્યાત બૂટલેગર શફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરેથી વિસ્ફોટક સામાન હોવાની માહિતી મળતા ગોમતીપુર ટોલનાકા નજીકના તેના ઘરે રાત્રે 12 વાગ્યે ગોમતીપુર અને રખિયાલ પોલીસે ACP સહિતની ટીમે રેડ કરી હતી. જેમાં 32 બોર (રાઉન્ડ)ની પિસ્તોલ,4 સુતળી બૉમ્બ, 12 પાઈપ બૉમ્બ, 5 કાચની બોટલ અને 1 લીટર કેરોસીન મળી આવ્યું છે. પોલીસે શફીક સંધી સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ આ હથિયારોનું શું થવાનું હતું તેની કોઈ માહિતી નથી. પરંતુ રથયાત્રાને લઈને વિસ્ફોટક લવાયો હોવાની આશંકા ઓછી લાગી છે જોકે અંગત અદાવત માટે સામાન રાખ્યો હોવાની આશંકા છે. ગોમતીપુર અને રખિયાલ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ગુડ્ડુ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા શકમંદોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ઘટના બનતા જ શહેરની ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સતર્ક થયા છે. સમગ્ર પોલીસ બેડામાં આ ઘટનાની જાણ થતા જ ચકચાર મચી છે. ઘટનાના પગલે પોલીસ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે. અને તમામ સામાનને FSLમાં મોકલવામાં આવ્યો છે.
અમદાવાદ રથયાત્રા પૂર્વ ખોખરામાંથી દેશી બોમ્બ મળી આવ્યા, પોલીસે તપાસ હાથ ધરી
ગુડ્ડુ ગોમતીપુર વિસ્તારનો કુખ્યાત બુટલેગર છે. ઘણા લાંબા સમયથી ગોમતીપુર અને નજીકની વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ચલાવે છે. શફીક સંધી અનેકવાર દારૂની રેડ વખતે પકડાયો છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના લિસ્ટેડ બુટલેગરોની લિસ્ટમાં શફીક સંધીનું નામ સામેલ છે. ગુડ્ડુના ઘરમાં ગત અઠવાડિયે થયેલા કથિત લઠ્ઠાકાંડમાં પણ પોલીસે રેડ કરી હતી, પરંતુ કશું જ હાથે લાગ્યું નહોતું.