અમદાવાદનો દરેક ખૈલેયા પોલીસની નજરમાં રહેશે, મહિલાઓની સુરક્ષામાં She અને હોક ટીમ તૈનાત રહેશે
Navratri 2022 : પોલીસે આયોજકોને 12 વાગ્યાની સમયમર્યાદા જાળવવા ટકોર કરી છે. અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રિને લઈને મહિલા સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા છે. સાથે જ રોડ રોમિયો પર પોલીસની વિશેષ નજર રહેશે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :આજથી નવરાત્રિનું પહેલું નોરતું છે. ત્યારે ગરબા આયોજકો ભારે ઉત્સાહમાં છે. બે વર્ષ બાદ નવરાત્રિ યોજાઈ રહી છે. ત્યારે આજે અમદાવાદ પોલીસ અને ગરબા આયોજકો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસે આયોજકોને 12 વાગ્યાની સમયમર્યાદા જાળવવા ટકોર કરી છે. અમદાવાદનો દરેક ખૈલેયા પોલીસની નજરમાં રહેશે તેવું પ્લાનિંગ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રિને લઈને મહિલા સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા છે. સાથે જ રોડ રોમિયો પર પોલીસની વિશેષ નજર રહેશે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પોલીસ વિવિધ વિસ્તારોનું CCTV થી મોનિટરિંગ કરશે.
આજથી નવરાત્રિના પાવન પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે તે પહેલા અમદાવાદ પોલીસ અને ગરબા આયોજકો વચ્ચે મહત્વની બેઠક મળી હતી. કોમર્શિયલ ગરબા આયોજકો સાથે પોલીસ હેડ કવાર્ટર ખાતે બેઠકનું આયોજન કરાયુ હતું. જેમાં મહિલાઓની સુરક્ષા, ગરબા સ્થળે જરૂરી તમામ વ્યવસ્થા અંગે ચર્ચાવિચારણા કરાઈ હતી. સાથે જ પૂરતી લાઈટ, પાર્કિંગ વ્યવસ્થા, મેટર ડિટેક્ટર, અવાજ પ્રદુષણ મામલે પણ ચર્ચા થઈ.
આ પણ વાંચો : પહેલા નોરતે જ આવી ગયો વરસાદ, ખેલૈયા અને ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા
મીટિંગ બાદ ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, સરકારે નિયત કરેલી 12 વાગ્યાની સમયમર્યાદા જળવાય એ જરૂરી છે. બાઈકર્સ ગેંગ અને રોડ રોમિયો પર નજર રાખવા ખાસ શી અને હોક પણ ટીમ બનાવાઈ છે. Cctv મોનિટરીંગ, વાહન પેટ્રોલિંગ થકી પણ બહેન-દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરીશું. હાલ કોમર્શિયલ ગરબા આયોજકો સાથે બેઠક કરી છે. ખાનગી સોસાયટીના આયોજકોને પણ વિનંતી છે કે કોઈ અશ્લીલ ગરબા ન વગાડે, ફક્ત માતાજીની ભક્તિ થાય તેવા ગરબા વગાડે. જેથી મહિલાઓને પણ અરુચિ ન લાગે. એસજી હાઇવે, એસપી રિંગરોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. 16 ક્રેન ઉપરાંત અન્ય ક્રેન ભાડે લઈને પણ જરૂરી વ્યવસ્થા કરીશું.
આ પણ વાંચો : ગુજરાતમા ચૂંટણી વહેલા આવવાના સીઆર પાટીલે આપ્યા સંકેત, જાણો શું કહ્યું...
તો બીજી તરફ, પોલીસની માર્ગદર્શિકાનું પાલન કરવા આયોજકોએ ખાતરી આપી. તેમજ આયોજકોએ લોકોની સુરક્ષા અંગે પણ ખાતરી આપી. ગરબા આયોજક ભાવેશ ઠક્કરે જણાવ્યું કે, પોલીસ દ્વારા અપાયેલી જરૂરી તમામ માર્ગદર્શિકાનું પાલન કરીશું. ગરબા રમવા આવનારા લોકોની સુરક્ષા જળવાઈ રહે એની ખાતરી અમે પોલીસને આપી છે.