આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદમાં રથયાત્રા (rathyatra) ને ગણતરીના કલાકો બાકી રહી ગયા છે. મંદિર પરિસરમાં ગજરાજની પૂજન વિધિ અને રથપૂજનની વિધિ સંપન્ન થઈ ગઈ છે. આજે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના સોના વેશના દર્શન કરવા મંદિર પહોંચ્યા છે. જગનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયુ છે. આ વચ્ચે ધક્કામુક્કીના
દ્રશ્યો પણ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરના પ્રાંગણમાં 11 હાથી અને 3 નાના હાથી લાવવામાં આવ્યા હતા અને તેમનુ પૂજન કરવામાં આવ્યુ હતું. સોનાવેશ બાદ મંદિરના પ્રાગણમાં ગજરાજોની પૂજા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. 


રથ પૂજન માટે ખલાસી ભાઈઓ બહારથી રથ ખેંચીને મંદિર પરિસરમાં લઈ  આવ્યા હતા. ભગવાનના ત્રણેય ઐતિહાસિક રથને દોરડા સાથે બાંધીને  નિજ મંદિરના પરિષદમાં લાવવામાં આવ્યા હતા. ભગવાનના ત્રણેય રથની પૂજા આજે કરવામાં આવી હતી. સરકારની ગાઈડલાઈન મુજબ, આવતીકાલે રથયાત્રામાં એક રથ પર માત્ર 20 ખલાસી એમ મળીને કુલ 60 ખલાસીઓને પરવાનગી આપવામાં આવી છે. આ 60 ખલાસીઓ ભગવાનના રથને નિજમંદિરથી સરસપુર સુધી ખેંચશે. ખલાસી એસોસિયેશનના કુશલ ખલાસે જણાવ્યું કે, ખલાસી એસોસિએશન દ્વારા મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત સહિત તમામને રજુઆત કરવામાં આવી છે કે, રથયાત્રામાં ખલાસીઓની સંખ્યા વધારવામાં આવે. ખલાસીઓનું કહેવુ છે કે, એક રથ ખેંચવા માટે 20 ખલાસીઓને બદલે 40 ખલાસીઓની મંજૂરી આપવામાં આવે. જો માત્ર 20 ખલાસીઓ જ રથ ખેંચશે તો રથયાત્રા નિજ મંદિર પરત આવતા સાંજે 5 વાગ્યાથી વધુનો સમય થઇ શકે છે. તેથી ખલાસીઓની સંખ્યા વધારાય.



રથની સાથે વધારાના રથના પરડા રાખવામાં આવશે અને 3 જેટલા મિસ્ત્રીઓ પણ રથના સમારકામ માટે રાખવામાં આવશે. તો બીજી તરફ આજે પ્રતાપભાઈ દ્વારા 15 કિલો ચાંદીનું ધનુષ્ય બાણ ભગવાન જગન્નાથને અર્પણ કરવામાં આવ્યું છે. તો સાથે જ મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની પ્રથા મુજબ આજે ભગવાન જગન્નાથનો ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો છે. કોમી એકતાના પ્રતીક સમાન છેલ્લા 20 વર્ષથી મુસ્લિમ બિરાદરો તરફથી જમાલપુર મંદિરના મહંત દિલીપ દાસજીને ચાંદીનો રથ આપવામાં આવે છે. 


આ વર્ષે પણ છેલ્લા 20 વર્ષની પરંપરા સાચવવામાં આવી છે.