Rath Yatra 2023: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, અમિત શાહ કરશે મંગળા આરતી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે પહિંદવિધિ
Ahmedabad Rath Yatra 2023: ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી અને જૂની રથયાત્રાઓમાંથી એક અમદાવાદ રથયાત્રાની સુરક્ષા માટે જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે મંગળા આરતી કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે.
અમદાવાદઃ અમદાવાદ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે તૈયાર છે. મંગળવારે સવારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળવાના છે. તે માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે મંગળા આરતી કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરાવીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરી છે. યાત્રાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા સુરક્ષા માટે 3ડી મેપિંગ તકનીક અને ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.
થ્રી ડી મેપિંગથી રખાશે નજર
અમદાવાદ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પ્રથમ વખત '3D મેપિંગ' ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારે આ માહિતી આપી. અમદાવાદના પોલીસ કમિશનર પ્રેમ વીર સિંઘે જણાવ્યું હતું કે રથયાત્રામાં કર્મચારીઓની ભારે તૈનાતી અને અનધિકૃત માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી) ને નીચે લાવવા માર્ગમાં એન્ટી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ જોવા મળશે. તેમણે માહિતી આપી હતી કે ગુજરાતમાં પ્રથમ વખત રથયાત્રાનું સમગ્ર રૂટમાં 3D મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખાસ કરીને વ્યૂહાત્મક બિંદુઓ પર નજર રાખવામાં આવશે. અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર, 3D મેપિંગ કોઈપણ સ્થળ પર નજર રાખવામાં મદદ કરે છે.
26 હજાર પોલીસકર્મીઓ તૈનાત
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે રથયાત્રા દરમિયાન અનઅધિકૃત ડ્રોનનો ઉપયોગ ન થાય તે નક્કી કરવા માટે પ્રથમવાર ડ્રોન વિરોધી તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યભરમાં 198 રથ યાત્રાઓ કાઢવામાં આવશે. મુખ્ય યાત્રાની સાથે માત્ર અમદાવાદમાં અન્ય છ નાની યાત્રા કાઢવામાં આવશે. રથયાત્રાના 20 કિલોમીટરના માર્ગ પર નજર રાખવા માટે 2322 બોડી વિયર કેમેરા અને સીસીટીવી અને જીપીએસ સિસ્ટમવાળા 25 વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે કુલ 26091 સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવશે, જેમાં પોલીસ અને અર્ધસૈનિક દળો સામેલ છે. તેમને 45 સ્થાનો પર સ્થિત 94 સીસીટીવી કેમેરાથી સૂચનાઓ આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ જગન્નાથ મંદિરમાં કરી આરતી
ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 146મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થયા હતા.
ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીશ્રીએ ધન્યતા અનુભવી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત અમદાવાદના ધારાસભ્યશ્રીઓ પણ સંધ્યા આરતી અને પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા.
પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમા રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તેનું શુભેચ્છાઓ પાઠવું છું.
તમામ તૈયારીઓ પૂર્ણ
રથયાત્રા 18 ગજરાજો, 101ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, ,3 બેન્ડબાજા વાળા જોડાશે. સાધુસંતો અને ભક્તો સાથે 1000 થી 1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે પહિંદવિધિ કરશે. રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
અમદાવાદના આ રોડ પર અપાયું ડાયવર્ઝવન
- ખમાસા ચાર રસ્તા રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- જમાલપુર ચાર રસ્તા બંધ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- આસ્ટોડિયા દરવાજાનો રસ્તો રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- રાયખડ ચાર રસ્તા પણ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો 4.30 વાગ્યા સુધી બંધ
- સાળંગપુર સર્કલ અને સરસપુર સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
- કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
- પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજા સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
- દિલ્હી ચકલાનો રસ્તો પણ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
- દિલ્હી ચકલા અને શાહપુર દરવાજા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- શાહપુર ચકલા અને રંગીલા ચોકી સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- આર.સી હાઇસ્કૂલ અને ઘી કાંટા ચાર રસ્તા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી
રથયાત્રાનો રૂટ આ પ્રમાણે રહેશે
સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ
9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
9.45 વાગ્યે- રાયપુર ચકલા
10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા
11.15 વાગ્યે-કાલુપુર સર્કલ
12 વાગ્યે-સરસપુર
1.30 વાગ્યે-સરસપુરથી પરત
2 વાગ્યે-કાલુપુર સર્કલ
2.30 વાગ્યે-પ્રેમ દરવાજા
3.15 વાગ્યે-દિલ્હી ચકલા
3.45 વાગ્યે-શાહપુર દરવાજા
4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ
5 વાગ્યે-ઘી કાંટા
5.45 વાગ્યે-પાનકોર નાકા
6.30 વાગ્યે-માણેકચોક
8.30 વાગ્યે-નિજ મંદિર પરત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube