સંજય ટાંક/ અમદાવાદ: સમગ્ર દેશમાં રેલવે તંત્રમાં હાલ જો કોઈ મોટી સમસ્યા હોય તો તે છે રેલવેમાં થતાં અકસ્માત. ત્યારે અમદાવાદની શાંતિ એશિયાટીક સ્કૂલના વિદ્યાર્થીઓએ એક રોબોટિક મોડલ તૈયાર કર્યું છે. દેશભરમાં થતા રેલ અકસ્માતોમાં 40 ટકા રેલ અકસ્માત માનવ રહિત ફાટક પર થતા હોય છે ત્યારે તેનું નિવારણ આ વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની શાંતિ એશિયાટીક સ્કૂલના રોબોટીક ક્લબના વિદ્યાર્થીઓએ રેલમાં થતા અકસ્માતોના નિવારણ માટેનું રોબોટિક મોડલ તૈયાર કર્યું છે. દેશભરમાં સૌથી વધુ લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે અને સમગ્ર દેશમાં અંદાજે 30 હજાર જેટલા રેલવે ક્રોસિંગ છે. ત્યારે દેશભરમાં રેલ અકસ્માતો વધી રહ્યાં છે અને આ અકસ્માતોમાં 40 ટકા અકસ્માતો માનવરહિત ફાટકો પર થતા હોય છે. ત્યારે આ રોબોટિક મોડલમાં ટ્રેન જ્યારે માનવરહિત ક્રોસિંગ પાસે આવવાની હોય ત્યારે સેન્સરની મદદથી ફાટક ઓટોમેટિક બંધ થઈ જાય છે. જેથી ફાટક પર થતાં અકસ્માતોને રોકી શકાય છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માની રહ્યાં છે. 


માત્ર રેલવેના અકસ્માતો રોકવા માટે જ નહિ વિદ્યાર્થીઓએ ગુજરાતના ટુરીઝમને વેગ મળે અને પર્વતિય વિસ્તારમાં રોડ રસ્તાઓના કારણે થતા પ્રદુષણને રોકવા રોપવેનું રોબોટિક મોડલ પણ બનાવ્યું છે. આ ઉપરાંત હાલ દેશભરમાં સ્વચ્છતા અભિયાન પણ વેગવંતુ બન્યું છે ત્યારે સ્વચ્છતા અભ્યાનને વધુ વેગ મળે તેવું પણ રોબોટિક મોડલ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું છે. 


શાંતિ એશિયાટીક સ્કૂલના પ્રિંસિપાલ અભય ઘોષે કહ્યું હતું કે હાલ તો સ્કૂલમાં યોજાનાર પ્રભાત પ્રદર્શન અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓએ અનેક રોબોટિક મોડલ તૈયાર કર્યા છે. પરંતુ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા આવા રોબોટિક મોડલનો યોગ્ય રીતે અમલમાં મુકવામાં આવે તો ચોક્કસ પણ તંત્રને અનેક સમસ્યાઓનો ઉકેલ આ રોબોટિક મોડલ દ્વારા મળી શકે છે.